Sihor
કોળી સમાજના હૃદય સમ્રાટ અને મંત્રી પરષોત્તમભાઈ સોલંકીના ૬૩માં જન્મદિવસે યોજાયેલ લોકડાયરોમાં રૂપિયાનો વરસાદ
પવાર – બુધેલીયા
મંત્રીના જન્મદિને ભવ્ય લોકડાયરા નું આયોજન, સિહોરના જાંબાળા ખાતે સંતો મહંતો,ધારાસભ્ય સહિતના લોકોની ઉપસ્થિતિમાં યોજાયો લોકડાયરો, લોકોએ ડાયરામાં વરસાવ્યો રૂ.નો વરસાદ, મંત્રી પોતે જન્મદિને ભજનની બે કડી ગાઈ થયા ભાવુક, શુભકામનાઓ પાઠવવા લોકોની ભીડ ઉમટી.
રાજ્યકક્ષાના મત્સ્યોદ્યોગ અને પશુપાલન મંત્રી પરષોત્તમભાઈ સોલંકીના ૬૩માં જન્મદિવસે સિહોરના જાંબાળા ગામે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર ખાતે આકાર પામી રહેલા શૈક્ષણિક સંકુલના લાભાર્થે યોજાયેલા લોકડાયરામાં લોક ગાયક માયાભાઈ આહીર સહિતના કલાકારોએ રમઝટ બોલાવતા ડાયરા માં ઉપસ્થિત હીરાભાઈ સોલંકી સહિતના આગેવાનોએ રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો. ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના મંત્રી પરસોતમભાઈ સોલંકીના ૬૩માં જન્મ દિવસની ઉજવણી નિમિતે કોળી સેના અને સમસ્ત કોળી સમાજ દ્વારા પરસોતમભાઈ સોલંકીના વિધાનસભા મતક્ષેત્રમાં આવતા સિહોર તાલુકાના જાંબાળા ગામે ગાંધીનગર ખાતે બની રહેલા શૈક્ષણિક સંકુલના લાભાર્થે ભવ્ય રંગ કસુંબલ લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ લોક ડાયરો શૈક્ષણિક સંકુલના લાભાર્થે યોજાયો હોય ઉપસ્થિત શ્રોતાઓએ દિલખોલીને અનુદાન કર્યું હતું, માયાભાઈ આહિર, બ્રિજરાજદાન ગઢવી, ઉર્વશી રાદડીયા સહિતના કલાકારોએ સુર ની રમઝટ બોલાવતા કાર્યક્રમમાં ઉપસ્થિત હીરાભાઈ સોલંકી સહિતના આગેવાનોએ રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો, તેમજ પરષોત્તમભાઈ સોલંકીને ૬૩માં જન્મદિવસ ની શુભકામનાઓ પાઠવી હતી, તેમજ સંતો મહંતો એ ઉપસ્થિત રહીને મંત્રી પરસોત્તમભાઈ સોલંકી ને આશીર્વાદ પાઠવ્યા હતા.
સાથે સાથે ગ્રામજનો દ્વારા પણ આતેશબાજી કરી પરસોત્તમ સોલંકીના જન્મદિનના વધામણાં કર્યા હતા. આ તકે મંત્રી પરસોત્તમભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે પોતાને મળેલી જવાબદારી સાથે લોકઉપયોગી કાર્યો અવિરત ચાલુ રહેશે, જે ‘ભાષણબાજી કરે એ કોઈ દી કામ ના કરે અને મને એ ફાવતું નથી ‘ પરસોતમ સોલંકીએ અંતે મર્મસ્પર્શી “ઝૂંપડીએ કોક તો જાજો ” ભજનની બે પંક્તિ ગાતા સમયે તેઓ ભાવુક થયા હતા.
આ લોકડાયરામાં ધારાસભ્ય ગૌતમ ચૌહાણ, ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલ, રાજેન્દ્રસિંહ રાણા, ભાજપ જિલ્લા પ્રમુખ આર.સી. મકવાણા સહિત રાજકીય આગેવાનો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.