Sihor
જવાનજોધ દીકરાનો મૃતદેહ જોઈ પરિવારનું હૈયાફાટ રુદન, બોટાદ પંથક આખું હિબકે ચડ્યું, દ્રશ્યો જોઈ બધાના આસું ટપકી પડ્યા
રઘુવીર મકવાણા
રોનક, કૃણાલ અને અક્ષરના પાર્થિવદેહને વતન લવાયા : અમદાવાદ ગોઝારા અકસ્માતમાં બોટાદના કૌટુંબિક ભાઈઓનાં મોત : અંતિમયાત્રામાં આખું ગામ ઊમટ્યું; પરિવારજનોનું આક્રંદ
અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર અકસ્માતના પગલે મોતનું તાંડવ સર્જાયું હતું. જે દુર્ઘટમાં બોટાદના 3 યુવાનોનું કરૂણ મોત થયું છે. જે અકસ્માતમાં મૃત પામેલા 3 યુવાનોના મૃતદેહ બોટાદ પહોંચતા સમગ્ર પંથકમાં શોક જોવા મળી રહ્યો છે. તેમજ પરિવારજનો કરૂણ રૂદન કરી રહ્યાં છે. અમદાવાદમાં થયેલા ગોઝારા અકસ્માતમાં મૃત્યુ પામનારા બોટાદના ત્રણ યુવાનની ડેડબોડી વતન લાવવામાં આવી છે. 2 યુવાનની બોડી બોટાદમાં આવતાં જ સમગ્ર બોટાદ શહેર અને પંથકમાં ઘેરો શોક છવાઈ ગયો હતો. કૃણાલ કોડિયાની બોડીને તેના વતન ચાસકા ગામે લઈ જવામાં આવી. યુવાનોની બોડી આવતાં પરિવારજનોમાં આંક્રદ જોવા મળ્યો હતો. અક્ષરની અંતિમયાત્રા ભાવનગર રોડ પરથી અને રોનકની પાળિયાદ રોડ પરથી અતિંમયાત્રા નીકળી હતી. અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર અકસ્માતમાં મોતને ભેટેલા 9 લોકોમાં બે યુવક બોટાદના હતા, જેમાં રોનક રાજેશભાઈ વિહલપરા અને કુણાલ નટુભાઈ કોડિયા બંને માસિયાય ભાઈઓ પણ અકસ્માતનો ભોગ બન્યા હતા. રોનકના પિતા રાજેશ ભાઈ પાળિયાદ રોડ પર મોટર રિવાઈન્ડિંગની દુકાન ચલાવે છે. તેમનું મૂળ વતન સુરેન્દ્રનગર જિલ્લાનું ચાસકા ગામ છે. જેમને સંતાનમાં બે દીકરા છે, જેમાં મોટો દીકરો રોનક બે વર્ષથી અમદાવાદ એન્જિનિયર કોલેજમાં અભ્યાસ કરતો હતો અને અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો. જ્યારે કૃણાલના પિતા નટુભાઈ પણ પાળિયાદ રોડ મોટર રિવાઇન્ડિંગ દુકાન ચલાવે છે અને તેમનું મૂળ ગામ કારિયાણી છે. નટુભાઈને સંતાનમાં બે દીકરા એક દીકરી છે. જ્યાં કૃણાલ એકાદ વર્ષથી અમદાવાદ એન્જિનિયર કોલેજમાં અભ્યાસ કરતો હતો. બંને મૃતક યુવાનોના પિતા માસિયાય ભાઈ થાય છે. બે કૌટુંબિક ભાઈઓનો મિત્ર અક્ષર પણ અમદાવાદના ગોઝારા અકસ્માતનો ભોગ બન્યો હતો. અમદાવાદ ખાતે અક્ષર બીજા વર્ષની કોલેજની ફી ભરવા ગયો હતો અને ત્યાં તેને કાળ આંબી ગયો. મૃતકના પિતા હાલમાં ખેતી કરી ગુજરાન ચલાવે છે તેમજ પરિવારમાં એક બહેન પણ છે. માતા-પિતાએ એકનો એક દીકરો ગુમાવ્યો છે. છેલ્લા ઘણા સમયથી અક્ષર બોટાદ જ હતો, પરંતુ કોલેજ શરૂ થતાં તેની ફી ભરવા માટે ગયો હતો અને અકસ્માત થતાં અકસ્માત જોવા ઊભા રહેતાં અન્ય અકસ્માતનો ભોગ બન્યો હતો. અક્ષરના પિતા અનિલભાઈ ભાવનગર રોડ સ્વામિનારાયણ નગર સોસાયટીમાં રહે છે અને ખેતીકામ કરી ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. અક્ષર પહેલાં અમદાવાદ અભ્યાસ કરતો હતો, પરંતુ અભ્યાસ પૂર્ણ કરી પરત બોટાદ આવ્યો હતો અને બે દિવસ પહેલાં એડમિશન માટે અમદાવાદ ગયો હતો. યુવકના મૃતદેહ માદરે વતન આવતાં આખું ગામ હીબકે ચડ્યું હતું. પરિવારજનોના આક્રંદથી સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતું. લોકો દ્વારા એમ્બ્યુલન્સમાંથી બંને યુવક રોનક અને કૃણાલના મૃતદેહને બહાર કાઢી ઘરમાં લઈ જવામાં આવ્યા હતા, જે જોઈ લોકો પોતાની આંખમાંથી આંસુ રોકી શક્યા નહોતા. બંનેનાં માતા-પિતાએ પોતાના વહાલસોયાને સફેદ ચાદરમાં લપેટાયેલા જોઈ હૈયાફાટ રુદન શરૂ કર્યું હતું. જે દીકરાને 20થી વધુ વર્ષ સુધી ઉછેર્યો હતો તેના પાર્થિવદેહને જોઈ માતા-પિતા પર આભ ફાટ્યું હતું.