Bhavnagar
બોગસ બિલીંગ કરી સરકારનાં કરોડો રૂપિયા ડુબાડનારા તત્વો સામે હવે રાજયવ્યાપી તવાઈ!
બરફવાળા
ભાવનગર સહિત સૌરાષ્ટ્ર-કચ્છની પણ 15 હજાર જેટલી બોગસ પેઢીઓ તંત્રના રડારમાં : કૌભાંડ કરી સરકારી નાણા ચાઉં કરી જનારાની તૈયાર થતી યાદી : ટુંકમાં જ રાજયભરમાં દરોડાના દૌરનો નિર્દેશ
ગુજરાતમાં જયારથી જીએસટી કાયદો અમલી બન્યો તેના થોડા સમય બાદ જ રાજયમાં બોગસ બીલીંગ કૌભાંડનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ખાસ કરીને જુદા જુદા બોગસ દસ્તાવેજોના આધારે ખોટી પેઢીઓ બનાવી અને સરકારની તીજોરીમાંથી ખોટી રીતે કરોડો રૂપિયાનું વેરાશાખ લઈ લેવાનું કારસ્તાન ચાલી રહ્યું છે. જોકે આ બોગસ બીલીંગ કૌભાંડનું પ્રમાણ સતત વધવા લાગતા જીએસટી વિભાગના સત્તાવાળાઓ પણ સક્રિય બન્યા છે અને આવા બોગસ બીલીંગ કૌભાંડ કરનારા તત્વો સામે આકરા પગલા ભરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને બોગસ બીલીંગ આચરનારા તત્વોની ધરપકડ કરવા સહિતના કડક પગલા લેવામાં આવી રહ્યા છે. છેલ્લા કેટલાક સમય દરમ્યાન રાજયના જીએસટી વિભાગના સત્તાવાળાઓએ ભાવનગર સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી બોગસ બીલીંગના અસંખ્ય કિસ્સાઓ ઠેર ઠેર દરોડા પાડી ઝડપી લીધા છે અને કરોડો અબજો રૂપિયાની ખોટી વેરાશાખ લેનારા તત્વો સામે પણ જુદા જુદા કાયદાકીય પગલા લેવામાં આવી રહ્યા છે. ત્યારે ઉલ્લેખનીય બાબત એ છે કે હવે રાજયના જીએસટી વિભાગના ઉચ્ચ સત્તાધિશોએ બોગસ બીલીંગ કૌભાંડમાં સંડોવાયેલા તત્વો કે જેઓએ કરોડો રૂપિયાની ખોટી આઈટીસી (વેરાશાખ) લીધી છે અને આવા તત્વો તંત્ર સમક્ષ ખુલ્લા પણ પડી ગયા છે.
છતા હજુ સુધી બોગસ બીલીંગ કૌભાંડ કરનારા આવા તત્વોએ જીએસટીમાં ભરવાનો થતો કરોડો રૂપિયાનો વેરો હજુ સુધી ભર્યો નથી તેવા તત્વો સામે રાજયવ્યાપી ઝુંબેશ ટુંક સમયમાં શરૂ કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. જીએસટી વિભાગના ઉચ્ચ સતાધિશો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગતો અનુસાર બોગસ બીલીંગ કૌભાંડ અંતર્ગત વસુલવાની થતી કરોડો રૂપિયાની ડીમાન્ડની રીકવરી માટે હવે સમગ્ર રાજયમાં મોટાપાયે ઝુંબેશ શરૂ કરવામાં આવનાર છે. મળતી વધુ વિગતો અનુસાર ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં લગભગ 15 હજાર જેટલી બોગસ પેઢીઓ કે જેમની પાસેથી કરોડો રૂપિયાની વસુલાત બાકી છે તેવા બોગસ બીલીંગ કૌભાંડીઓ સામે નજીકના દિવસોમાં જ તંત્ર દ્વારા આકરી કાર્યવાહી સાથે તવાઈ ઉતારવામાં આવનાર છે. આવા બોગસ બીલીંગ કરનાર તત્વો સામે જીએસટી વિભાગ ટુંકમાં જ વ્યાપક દરોડાનો દોર શરૂ કરનાર હોવાના નિર્દેશો મળી રહ્યા છે.