Bhavnagar

કૌભાંડોનું એપિસેન્ટર ભાવનગર

Published

on

બરફવાળા

  • ગેરરીતિઓના કેન્દ્રબિંદુ તરીકે ઉપસી આવ્યું ભાવનગર ; આધારકાર્ડ છેડછાડ, GST કૌભાંડ, ડમી સીમ કાર્ડ, ડમી ભરતી કૌભાંડ, યુનિ. પેપર ફૂટવાના કિસ્સા ભાવનગરમાં

ભાવનગર જિલ્લામાંં નોંધપાત્ર નવા ઉદ્યોગ ધંધા દાયકાઓથી આવી રહ્યા નથી પરંતુ ગેરરીતિના ગોરખધંધા ગૃહઉદ્યોગની જેમ વિકસી રહ્યા છે. જીએસટી ગેરરીતિ, ડમી સીમ કાર્ડ, ડમી ભરતી કૌભાંડ, યુનિવર્સિટી પેપર લીક કૌભાંડ, આધાર કાર્ડ સાથે છેડછાડ કરી મોબાઇલ નંબર બદલવાના કૌભાંડ અને ભાવનગરને સાપેક્ષ સંબંધ હોય તેમ તમામ કૌભાંડોનું કેન્દ્રબિંદુ ભાવનગરમાં નિકળી આવે છે.જીએસટીના અમલીકરણથી આજની તારીખ સુધી, બોગસ બિલિંગ, ખોટી વેરાશાખ લેવી, ખોટા રજીસ્ટ્રેશનથી બોગસ પેઢીઓ બનાવવી સહિતના કરોડો રૂપિયાના કૌભાંડ થઇ રહ્યા છે. અજ્ઞાત વ્યક્તિનઓના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી તેઓના નામે મોબાઇલ સીમ કાર્ડ એક્ટિવેટ કરી અન્યને મોંઘાભાવે પધરાવવાનું કૌભાંડ ભાવનગરથી ચાલી રહ્યું છે. સમગ્ર રાજ્યને ધમરોળી રહેલું ડમી ભરતી કૌભાંડ ભાવનગરમાં મૂળિયા ધરાવે છે, અનેક લોકોએ ડમી ઉમેદવારોને નોકરી માટેની પરીક્ષામાં બેસાડી અને અન્ય ઉમેદવારોને નોકરી અપાવવાનું કૌભાંડ ભાવનગરથી વિકાસ પામ્યુ છે. હજુ આ કૌભાંડ અનેકના રોટલા અભડાવી નાંખવાનું છે, ડમી ભરતી કૌભાંડની તિવ્રતા એટલી વ્યાપક છે, તેના રેલા સમગ્ર રાજ્યમાં પણ નિકળે તો નવાઇ નહીં.
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની કોમર્સના છઠ્ઠા સેમેસ્ટરની પરીક્ષાનું પ્રશ્નપત્ર પરીક્ષા અગાઉ લીક કરવાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યુ છે, તેમાં વિદ્યાર્થીઓ ઉપરાંત ઇનચાર્જ આચાર્ય સામેલ છે.

ઉપરાંત પાલિતાણા અને ભાવનગર શહેરમાંથી આધાર કેન્દ્ર પર ગરીબ, અભણ, લાચાર, અજ્ઞાની લોકોને લલચાવી, ફોસલાવી સરકારી સહાય અને લોન અપાવવાની લાલચ આપી તેઓને આધર કેન્દ્ર પર લાવી, તેઓના આધાર કાર્ડ સાથે નવો મોબાઇલ નંબર રજીસ્ટર કરાવી, તેના આધારે પાનકાર્ડ અને બોગસ જીએસટી નંબર મેળવવાના કૌભાંડમાં પણ રાજ્ય પોલીસ વડાએ સીટની રચના કરી છે, અને અત્યારસુધીમાં 22 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. હજુ આ કૌભાંંડની તિવ્રતા વ્યાપક હોવાને તંત્ર દ્વારા સમર્થન આપવામાં આવી રહ્યું છે. ભાવનગરનું યુવાધન શા માટે ગેરરીતિના રવાડે ચડી રહ્યું છે તે પણ એક સંશોધનનો વિષય બની રહ્યો છે.
ડમી ભરતી કાૈભાંડ અને જીએસટી કૌભાંડના કિસ્સાઓમાં ભાવનગરમાં વ્યાપક તપાસ કરવામાં આવી રહી છે. નોંધપાત્ર નવા ઉદ્યોગ ધંધા ભાવનગર આવી રહ્યા નથી, વિદ્યાર્થીઓ સારા રોજગારની શોધમાં મોટા શહેરો તરફ પ્રયાણ કરી રહ્યા છે, શહેરમાં જુદા જુદા પ્રકારના ગુન્હાઓનું પ્રમાણ વધી રહ્યું છે. આમ ભાવનગર તેની કલા-સંસ્કૃતિ, ખેલકૂદની ઓળખ ઉપરાંત ગેરરીતિઓનું ગંદુ પ્રકરણ પણ ઉમેરી રહ્યું છે. આખા રાજ્યમાં જ્યાં પણ જીએસટીનું કૌભાંડ પકડાય છે તો તેના મૂળિયા, તપાસ ભાવનગર ભણી નિકળી આવે છે, આમ ગેરરીતિઓના કેન્દ્રબિંદુ ભાવનગર તરફ જ નિકળી આવે છે.

Trending

Exit mobile version