Sihor

સિહોરમાં રેલવે ક્રોસિંગ માથાના દુઃખાવા સમાન બની, ટ્રાફિકજામની સમસ્યા કાયમી

Published

on

પવાર

  • ઘાંઘળી રોડનું રેલવે ફાટક દિવસમાં અનેક વખત બંધ થતાં વાહનોની લાગતી લાંબી લાઈનો, ઘાંઘળી અને વળાવડ રેલવે ક્રોસિંગ પર ઓવરબ્રીજ બને તો સમય, શક્તિ અને ઈંધણનો વ્યય થતો અટકે

ઔદ્યોગિક દ્રષ્ટીએ પ્રગતિની હરણફાળ ભરતા સિહોરમાં રેલવે ફાટક માથાના દુઃખાવા સમાન બની ગયું છે. ઘાંઘળી રોડ અને વળાવડ ગામ પાસે આવેલા રેલવે ક્રોસિંગને કારણે દૈનિક મોટી સંખ્યામાં વાહનોની અવર-જવરને બ્રેક લાગી જાય છે. આ બન્ને ફાટક દિવસમાં ઘણી વખત બંધ થતાં હોવાથી ટ્રાફિકજામની સમસ્યા કાયમી હોય, અહીં ઓવરબ્રીજ બનાવવામાં આવે તેવી માંગણી ઉઠી છે. ભાવનગર જિલ્લામાં તાલુકા કક્ષાએ સૌથી મોટું શહેર સિહોર છે. સિહોરમાં રોલીંગ મીલો, કાસ્ટીગઝ, ફાર્માસ્ટીકલ્સ અને તેને લગતા ઘણાં ઉદ્યોગ આવેલા હોવાથી ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ હજારોની સંખ્યામાં કામદારો વસે છે. સિહોરમાં ઉદ્યોગો વધ્યા છે તેની સાથે વાહન વ્યવહાર પણ ખૂબ જ વધી ગયો છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યા વકરતી જાય છે.

railway-crossings-in-sihore-became-a-headache-traffic-jam-problem-permanent

તેમાં પણ ઘાંઘળી રોડ પર સ્ટેશનને અડીને આવેલું રેલવે ફાટક દિવસમાં અનેક વખત બંધ થતું હોય છે. આ રેલવે ફાટક બંધ થયા બાદ ૧૦થી વધુ મિનિટ બાદ ખૂલે છે. જેના કારણે ફાટકની બન્ને સાઈડમાં વાહનોની એક કિલોમીટર જેટલી લાંબી લાઈનો લાગે છે. રેલવે ફાટક બંધ થતાં ઈમરજન્સી સેવાની ૧૦૮ અને અન્ય એમ્બ્યુલન્સો પણ અટવાઈ પડે છે. ઘાંઘળી ઉપરાંત ભાવનગર-રાજકોટ રોડ પર આવેલા વળાવડ ગામની બાજુમાં પણ રેલવે ફાટક બંધ થતું હોવાથી સ્ટેટ હાઈવે પર ટ્રાફિકજામ થતો હોય છે. આ બન્ને રોડ વાહનોથી સતત ધમધમતા રહેતા હોય, લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેથી બન્ને જગ્યાએ ક્રોસિંગના બદલે ઓવરબ્રીજ બનાવવામાં આવે તો લોકોને સમય, શક્તિ, ઈંધણની બચત થાય તેમ છે.

Trending

Exit mobile version