Gujarat
તા.7ના રોજ CM-પ્રદેશ પ્રમુખ પાટીલ દિલ્હી જશે : ગુજરાત ભાજપમાં જબરી ઉત્તેજના
કુવાડિયા
રાજયસભા ચૂંટણી, નવા સંગઠનની રચના, કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરફાર તથા પ્રદેશ પ્રમુખના મુદ્દાઓની જબરી ચર્ચા, રાજયસભાના નામોની પસંદગી કરવા તા.10ના ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક : બે નવા ચહેરા અંગે જબરો સસ્પેન્સ :સી.આર.પાટીલને પ્રદેશ પ્રમુખ તરીકે એકસટેન્શન મળશે કે પછી નવા નામ પર પસંદગી : વિધાનસભાના વર્તમાન અધ્યક્ષ શંકર ચૌધરીનું નામ મોખરે : કેન્દ્રીય મંત્રીમંડળના સંભવિત ફેરફારમાં ગુજરાતમાં કોને સ્થાન મળશે, કોણ કપાશે તે અંગે પણ તર્ક
ગુજરાતમાં આગામી સમયમાં સંગઠનમાં થઇ શકતા ફેરફાર અંગે હવે ચક્રોગતિમાન બન્યા છે અને રાજયમાં રાજયસભાની ત્રણ બેઠકોની ચૂંટણીઓ પણ આવી છે તે સંદર્ભમાં હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આગામી તા. 7ના રોજ દિલ્હીમાં મોવડી મંડળ સાથે મહત્વની બેઠક યોજશે તેવા સંકેત છે. ખાસ કરીને રાજયસભામાં ત્રણ બેઠકોની ચૂંટણી યોજાવાની છે તેમાં ભાજપ રાજયમાં ત્રણે બેઠકો જીતી શકે તેમ છે અને ફકત ઉમેદવારોની પસંદગીની કવાયત જ મહત્વની બની રહેશે. તા.24 જુલાઇના આ માટે મતદાન યોજાશે પરંતુ કોંગ્રેસ જે રીતે એક પણ બેઠક જીતી શકે તેમ નથી તેથી ઉમેદવારી નોંધાવે તેવી શકયતા નહીંવત છે અને ગુજરાતમાંથી ચૂંટાયેલા વિદેશ મંત્રી એસ.જયશંકરને ફરી એક વખત રાજયસભામાં મોકલવા માટે ઉમેદવાર તરીકે જાહેર કરાશે જયારે બે સભ્યો જેમલભાઇ અનાવડીયા અને જુગલસિંહ લોખંડવાલાએ બંનેને હવે ફરી ભાજપ પસંદ કરે તેવી શકયતા નથી. અને આથી બે નવા ચહેરા શોધવા માટે મુખ્યમંત્રી તેમજ પ્રદેશ પ્રમુખને દિલ્હીમાં બોલાવાયા હોય તેવી શકયતા છે.
આ ઉપરાંત મોદી સરકારના મંત્રીમંડળની પણ પુન: રચનાની તૈયારી છે અને તેમાં પણ ગુજરાતમાંથી કોઇ નવા ચહેરાને પસંદ કરાઇ અને હાલના મંત્રીમંડળમાંથી એક કે બે મંત્રીઓને પડતા મુકાઇ તેવી ચર્ચા છે અને તેથી જ તે અંગે પણ દિલ્હીમાં આ બંને ટોચના નેતાઓ મોવડી મંડળ સાથે ચર્ચા કરશે તેવું માનવામાં આવે છે. તા.10ના રોજ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળનાર છે અને જેમાં રાજયસભાના નામોને લીલીઝંડી અપાશે તેવા સંકેત છે. જોકે રાજયસભાના નામો અંગે ગુજરાતમાંથી કોને હવે ઉપલા ગૃહમાં મોકલાશે તે હજુ સુધી કોઇ સંકેત નથી પરંતુ ભાજપ તેની સ્ટાઇલ મુજબ આખરી ઘડીએ નામોની જાહેરાત કરશે તેવું માનવામાં આવે છે. બીજી તરફ ગુજરાતમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખની નિયુકિત થશે કે પછી વર્તમાન પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો સમયગાળો વધારાશે તે અંગે પણ ચર્ચા છે. પાટીલાનો સમયગાળો તા.20 જુલાઇના રોજ થઇ રહ્યો છે અને તેમને આગામી સમયની ધારાસભા ચૂંટણીઓ તેમજ લોકસભા ચૂંટણીઓમાં કોઇ ખાસ જવાબદારી સોંપાઇ અને ગુજરાતની જવાબદારીમાંથી મુકત કરાઇ તેવી પણ અટકળો છે અને તેનો નિર્ણય પણ આગામી દિવસોમાં આવશે. ભાજપ ફકત ગુજરાત નહીં આઠ જેટલા રાજયોના પ્રદેશ પ્રમુખો બદલી રહ્યા છે તેમાં સી.આર.પાટીલનું નામ સામેલ છે અને તેથી પાટીલના સ્થાને કોણ ચર્ચા પણ વેગવાન બની છે. અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીનું નામ આગળ છે. કોંગ્રેસ પક્ષે જે રીતે શકિતસિંહ ગોહિલને પ્રદેશ પ્રમુખ બનાવ્યા પછી ભાજપ તે અંગે યુવા ચહેરાને સ્થાન આપી શકે છે અને તેમાં શંકરભાઇ ચૌધરી એક ઓબીસી નેતા તરીકે ફીટ બેસે છે તેઓ યુવા જોશ તરીકે પણ સ્વીકાર્ય બની શકે તેમ છે. જોકે પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી બંને ગુજરાત સાઇડના હોય તો સૌરાષ્ટ્રને બેલેન્સ કરવા માટે કોઇ મહત્વના ચહેરાને આગળ કરી શકાય તેમ છે અને તેથી આ નામ ઉપર પણ ચર્ચા છે. જોકે સી.આર.પાટીલે જે રીતે ગુજરાત ભાજપમાં આક્રમકતા લાવી છે તથા તેઓ ખુદ એક બાદ એક જિલ્લાના પ્રવાસો કરીને સંમેલનો યોજી રહ્યા છે આજે તેઓ ભાવનગરમાં માર્કેટીંગ યાર્ડમાં સંમેલન છે અને જે રીતે આક્રમણ રીતે કોંગ્રેસને પડકારી રહ્યા છે તે જોતા તેમના સ્થાને તેવા જ આક્રમક ચહેરાને મુકવાનું ભાજપને કસોટી હશે.