Sihor
તમારે નર્ક જોવું છે.? સિહોર થી નેસડા જતા માર્ગે પોહચી જાવ ; લોકો કંટાળ્યા : આંદોલનનું એલાન
Pvar
જરાય શરમ જેવું હોઈ તો અહીં એકાદ નજર કરજો
આવતા આઠ દિવસમાં સિહોર થી નેસડા જતા માર્ગની નિરાકરણ નહિ આવે તો આંદોલન માટેની રણનીતિ તૈયાર, અહીં રોડની નર્ક કરતા બદતર સ્થિતિ બની, રોડમાં ખાડાઓનું સામ્રાજ્ય છવાયું, લોકોની હાલત કફોડી બની, આજે સરકારી કચેરીઓમાં રજુઆત સાથે ગ્રામજનોએ અંતિમ અલ્ટીમેટમ આપ્યું
રેઢિયાળ તંત્ર અને સરકારના પ્રતિનિધિઓની ઈચ્છા શક્તિના કારણે લોકોને કેટ-કેટલું હેરાન થવું પડે છે તે વાત નગ્ન સત્ય છે. ચૂંટણી સમયે કરેલા વાયદાઓ આજે પુરા થયા નથી અને લોકો પણ સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે.
સિહોર થી નેસડા જવાના માર્ગ પર દૂરબીન લઇને શોધો તોય ડામર ન જડે તેટલા ખાડા પડી જતાં વાહનચાલકોની રોજેરોજ કસોટી થઈ થઈ છે. રસ્તો જાણે કે ખાડામાં ગરકાવ થઈ ગયો હોય તેવી બદતર હાલતમાં ફેરવાઈ ગયો છે. રસ્તાની હાલત એટલી હદે ખરાબ થઈ ગઈ છે કે, દૂરબીનથી રસ્તાને શોધો તોય ‘રસ્તો’ ન જડે. લોકોની જ્યાં નજર પડે ત્યાં બસ ખાડા જ જોવા મળી રહ્યા છે. વિકાસના ખોટા બણગા ફૂંકનારા નેતાઓને એકાદ ચક્કર અહીં લગાવવાની જરૂર છે. અહીં રોડની હાલત બિસ્માર બની ગઈ છે. રસ્તા પર મોટા-મોટા ખાડા પડી જતાં અકસ્માતોની ઘટનામાં વધારો થયો છે.
આ રોડને બનાવવા માટે અનેક વખત રજૂઆતો કરવા છતાં તંત્રના બહેરા કાને લોકોનો અવાજ પહોંચતો ન હોય તેમ માત્ર હૈયાધારણાંઓ જ આપવામાં આવી રહી છે. ચૂંટણી સમયે રોડનું કામ કરાવવા હૈયાધારણાં આપી હતી. તેમ છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી થઈ ન હોય, આજે ગ્રામજનોની ધીરજનો બાંધ હવે તૂટવા આવ્યો છે અને જો પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો રસ્તો બંધ કરી ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન છેડવા ચિમકી ઉચ્ચારવામાં આવી છે. આજે રજુઆત સમયે છેલ્લું અલ્ટીમેટમ આપી આવતા આઠ દિવસમાં રસ્તાનો પ્રશ્ન યોગ્ય નહિ થયા તો સમસ્ત ગ્રામજનો રોડ પર ઉતરી જવાની ચીમકી પણ ઉચ્ચારી છે.