Sihor

સિહોર શહેરમાં લગ્નસરાની સીઝનના આરંભની સાથે જ ગુલાબ ગલગોટાના ભાવમાં ઉછાળો

Published

on

પવાર

  • ફુલના ભાવ સડસડાટ રીતે આસમાનને આંબી ગયા ; માંગલિક અવસરોને લઈને ડિમાન્ડમાં નોંધપાત્ર પ્રમાણમાં વધારો થયો તેવા સમયે જ કેટલાક માલની અછત

લગ્નસરાની સીઝનના આરંભની સાથે જ સિહોર શહેર અને જિલ્લામાં ફૂલના ભાવ સડસડાટ રીતે આસમાનને આંબી જતા ગ્રાહકોના મો કરમાઈ જવા લાગ્યા છે. સિહોર સહિત ગુજરાતમાં ડિસેમ્બર માસ દરમિયાન લગ્નસરા વધુ જામવાની હોય આ દિવસોમાં પણ ફૂલના ભાવ ઉંચા રહેશે તેમ ફૂલબજારમાંથી જાણવા મળેલ છે. નવેમ્બરના અંતિમ સપ્તાહમાં લગ્નસરાની સીઝનના પ્રારંભની સાથે જ ગુલાબ, ગલગોટા સહિતના ફૂલના ભાવમાં એકાએક ગરમાવો આવી ગયો છે. આ અગાઉ રોશનીના મહાપર્વ દિપોત્સવીના તહેવાર દરમિયાન ફૂલની ડિમાન્ડ વધી ગઈ હતી. દેવદિવાળીના તહેવાર બાદ થોડા દિવસો ફૂલની ઘરાગી ઘટી ગઈ હતી.

દરમિયાન તાજેતરમાં લગ્નસરાની સીઝન શરૂ થતાની સાથે જ ગલગોટા અને ગુલાબ સહિતના પચરંગી ફૂલની ડિમાન્ડ વધી રહી છે ત્યારે જ શહેર અને જિલ્લાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં ગલગોટા અને ગુલાબની અછત સર્જાતા સ્થાનિક વિક્રેતાઓના જથ્થાબંધ વિક્રેતાઓના ગોડાઉનના સ્થળોએ ધકકા વધી રહ્યા છે. સામાન્ય રીતે પ્રતિ વર્ષે લગ્નગાળાની સીઝન દરમિયાન ગુલાબ અને ગલગોટાની ડિમાન્ડ વધી જતી હોય છે. ઘણા સ્થળોએ આ સીઝનનો ગેરલાભ લેવા માટે કેટલાક વિક્રેતાઓ ગલગોટાની અછત છે તેમ કહીને પણ ઉંચા ભાવ વસુલવાનું ચૂકતા નથી. લગ્નસરાની સીઝનમાં હાલ ફૂલના ભાવમાં અંદાજે ૨૫ ટકાનો ધરખમ વધારો જણાઈ રહ્યો છે તેમ છતાં જે તે ગ્રાહકને સમયસર ફૂલ મળી ન શકતા રઝળપાટ કરવાનો વખત આવ્યો છે.

Exit mobile version