Bhavnagar
ડમીકાંડમાં વધુ બેની ધરપકડ ; યુવરાજસિંહને હાજર થવા બીજુ સમન્સ ; કાલે હાઇવોલ્ટેઝ ડ્રાંમા
બરફવાળા
વિદ્યાર્થી નેતાની તબિયત લથડતા મુદ્દત માંગી હતી : આવતીકાલના ઘટના ક્રમ પર સૌની નજર, અન્ય આરોપીઓ પરિવાર સાથે ફરાર: સૂત્રધારે અપંગતાના આધારે ક્લાર્ક બન્યા બાદ પીએસઆઇની ટ્રેનીંગ માટે રજા માંગતા ભાંડો ફૂટી ગયો
ભાવનગરના ચકચારી ડમીકાંડમાં મળેલ પોલીસ સમન્સના પગલે ભાવનગર આવેલા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની તબિયત લથડતા તેઓ ગઈ કાલે પોલીસ સમક્ષ હાજર થયા ન હતા અને પોલીસ તંત્રને ઈ-મેલ દ્વારા જાણ કરી હાજર થવા માટે દસ દિવસની મુદત માગી હતી. જો કે પોલીસે નવો સમન્સ જારી કરી તેમને તા. 21 ના રોજ હાજર થવા ફરમાન કર્યું છે. ભાવનગર એસઓજી શાખા તરફથી હાજર થવા માટે સમન્સ મળતા યુવરાજસિંહ જાડેજા ગઇકાલે સવારે ભાવનગર આવ્યા હતા. જોકે તેમની તબિયત લથડતા તેમણે પોલીસ વિભાગને ઇ-મેલ દ્વારા લેખિત જાણ કરી હાજર થવા માટે દસ દિવસની મુદત માગી હતી. આ અંગે તેમના પત્નીએ ટ્વિટ કરીને જાણકારી આપી હતી. યુવરાજસિંહના ઇમેલના પ્રત્યુતરમાં ભાવનગર પોલીસે નવો સમય કાઢીને યુવરાજસિંહ ને હવે 21 એપ્રિલના રોજ બપોરના 12 કલાકે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની કચેરી ખાતે હાજર થવા પરમાન કર્યું છે.
આ અંગે ભાવનગર રેન્જ આઇ.જી. ગૌતમ પરમાર અને જિલ્લા પોલીસવડા ડો. રવીન્દ્ર પટેલે એસ.પી. કચેરી ખાતે આવેલ કોન્ફરન્સ હોલ ખાતે પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી. હવે તા. 21 એપ્રિલના રોજ હાજર થશે કે કેમ તે અંગે લોક ચર્ચાઓ શરૂ થઈ છે. બહુ ચર્ચિત અને રાજ્યભરમાં ચર્ચાને ચકડોળે બનેલો ડમીકાંડ પ્રકરણમાં રોજ રોજ નવી વિગતો અને નામ બહાર આવી રહ્યા છે. ત્યારે ‘સીટ’ દ્વારા વધુ બે શખ્સોને ઝડપી લેવાયા હતા. જેમાં મિલન ઘુઘાભાઇ બારૈયા (રહે. સરતાનપર) અને વિરમદેવસિંહ નાગભા ગોહિલ (રહે. ઉમરાળા, વડોદ તાલુકો)ને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 2017માં શરદ પનોત મારફતે વિરમદેવસિંહની પરિક્ષા 38માં આરોપીએ ગ્રામ સેવકની પરિક્ષા આપી હતી જેમાં વિરમદેવસિંહ પાસ થયા બાદ હાલ વિરમદેવસિંહ એસ.ટી.માં નોકરી કરતો હતો તેમ પોલીસ તપાસમાં ખુલવા પામેલ છે. આ ડમીકાંડ માં અત્યાર સુધી 38 ના નામો બહાર આવ્યા છે અને તેની સામે પોલીસ ફરિયાદ થઈ છે જેમાંથી 8 ની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ તપાસ દરમિયાન આ આંકડો 70 સુધી પહોંચે તેમ જાણવા મળેલ છે. જેઓની સામે ફરિયાદ થઈ છે અને ઝડપાયા નથી તેઓ પરિવાર સાથે ગામ છોડીને ફરાર થઈ ગયા હોવાનું પણ પોલીસ દ્વારા જાણવા મળેલ છે.