Sihor
ભાવનગર ગ્રામ્ય પર રેવતસિંહ ગોહિલ અને ભાવનગર પૂર્વ પર બળદેવ સોલંકીને ટિકિટ
મિલન કુવાડિયા
કોંગ્રેસે બન્ને યુવાનોને મેદાનમાં ઉતાર્યા, ભાવનગરની 2 બેઠો પર ખરાખરીનો જંગ જામશે, ભાજપના ગઢમાં કોંગ્રેસ ગાબડુ પાડશે કે પછી
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ફોર્મ ભરવાનો સોમવારે અંતિમ દિવસ છે. ત્યારે તમામ ઉમેદવારો માટે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. એવામાં જે બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત બાકી છે તેની જાહેરાત પણ થવા લાગી છે. ગઈકાલે કૉંગ્રેસે તેની ચોથી યાદી જાહેર કરી છે. જેમાં ભાવનગર પૂર્વ અને ભાવનગર ગ્રામ્ય બેઠક પર ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. જો કે, ગારિયાધાર બેઠક પર હજી પણ પાર્ટી અંતિમ નામ પર મહોર મારી શકી નથી. ભાવનગર પૂર્વ બેઠક પર કૉંગ્રેસ દ્વારા બળદેવ સોલંકીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.બળદેવ સોલંકી હાલ ભાવનગર જિલ્લા પંચાયતના વરતેજ બેઠકના જિલ્લા પંચાયતના સદસ્ય છે અને કોળી સમાજમાં આગવું એવું નામ ધરાવે છે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે. ભાવનગર ગ્રામ્ય બેઠક પર ભાજપ અને કોળી સમાજના કદાવર નેતા પરસોતમભાઈ સોલંકી સામે કૉંગ્રેસે રેવતસિંહ ગોહિલને ટિકિટ આપી છે. રેવતસિંહ ક્ષત્રિય સમાજમાંથી આવે છે અને સમાજમાં આગવું નામ ધરાવે છે.
રેવતસિંહ ગોહિલ વર્સિસ પરસોત્તમભાઈ સોલંકી
ભાવનગર ગ્રામ્ય બેઠક પર કોંગ્રેસે રેવતસિંહ ગોહિલની પસંદગી કરી છે. રેવતસિંહ ગોહિલ કોંગ્રેસના પાયાના કાર્યકર અને ઘોઘા તાલુકા કોંગ્રેસ પ્રમુખ પણ છે. સાથે જ તેઓ ભાવનગર ક્ષત્રિય સમાજમાં પણ ભારે પ્રભુત્વ ધરાવે છે. રેવતસિંહના નામ પર કોંગ્રેસે મહોર મારતા હવે ભાજપના કોળી સમાજના દિગ્ગજ નેતા પરસોત્તમ સોલંકી અને રેવતસિંહ વચ્ચે જંગ જામશે. જોકે છેલ્લી પાંચ ટર્મથી ભાવનગર ગ્રામ્ય બેઠક ભાજપનો ભગવો લહેરાઈ રહ્યો છે. ત્યારે 2022 માં તખતો પલટાશે કે પછી પુનરાવર્તન થશે તે તો મતદારો જ નક્કી કરશે.
બળદેવ સોલંકી વર્સિસ સેજલ પંડ્યા
બીજી તરફ ભાવનગર પૂર્વ બેઠક પર કોંગ્રેસે બળદેવ સોલંકીના નામ પર મહોર લગાવી છે. બળદેવ સોલંકી જિલ્લા પંચાયતના સદસ્ય છે. સાથે જ કોળી સમાજના યુવા નેતા છે. તેની સામે ભાજપ દ્વારા ભાવનગર પૂર્વ બેઠક પર નવો જ ચેહરો ઉતાર્યો છે. જેમાં સેજલબેન પંડ્યા, કે જેઓ ભાજપના કાર્યકર હોવાની સાથે સાથે ભાવનગર શહેર પ્રમુખ રાજીવભાઈ પંડ્યાના પત્ની છે. ભાજપ વર્ષોથી આ પૂર્વ બેઠક પર સવર્ણ ઉમેદવાર અને તેમાં ખાસ બ્રહ્મ સમાજના ઉમેદવારને મેદાને ઉતારે છે. જ્યારે કોંગ્રેસે ગત વર્ષની માફક ફરી કોળી ઉમેદવારને મેદાને ઉતાર્યા છે.