Bhavnagar
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 પરિણામ: ભાવનગર પશ્ચિમથી જીતુ વાઘાણી પૂર્વમાં સેજલ પંડ્યા ગ્રામ્યમાં પરસોતમ સોલંકી આગળ
ભાવનગર જિલ્લાની મહુવા, તળાજા, ગારિયાધાર,પાલિતાણા, ભાવનગર ગ્રામ્ય, ભાવનગર પૂર્વ અને ભાવનગર પશ્ચિમ બેઠક પર કોણ ધારાસભ્ય બનશે તેનો આજે ફેંસલો થશે.મતગણતરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. બપોર સુધીમાં તમામ બેઠકો પર હારજીતનું ચિત્ર સ્પષ્ટ થઈ જવાની શક્યતા છે.
મતગણતરી અપડેટ
- ગારિયાધાર બેઠક પર આપના સુધીર વાઘાણી આગળ
- મહુવા બેઠક પર કૉંગ્રેસના કનુ કળસરિયા પ્રથમ રાઉન્ડના અંતે 1053 મતથીઆગળ
- સાત બેઠકો પર 66 ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો થશે
- જિલ્લામાં થયું છે 60.83 ટકા સરેરાશ મતદાન
ભાવનગર જિલ્લાની સાત વિધાનસભા બેઠકો પર કુલ 18 લાખલ 32 હજાર 523 મતદારો નોંધાયેલા છે. જેમાંના 11 લાખ 14 હજાર 768 મતદાતાઓએ 1 ડીસેમ્બરે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જિલ્લાની સાત બેઠક પર મતદાનનો 2017 જેવો જ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. જિલ્લાની સાત બેઠકોના મતદાનમાં સરેરાશ 1.35 ટકાનો ઘટાડો થયો છે. 2017માં સરેરાશ 62.18 ટકા મતદાન હતું, જ્યારે 2022માં સાત બેઠકનું સરેરાશ મતદાન 60.83 ટકા મતદાન નોંધાયું છે. બેઠક વાઈઝ 2017 અને 2022માં થયેલા મતદાનના આંકડા નીચે મુજબ છે.
કઈ બેઠક પર કેટલા ઉમેદવારો વચ્ચે હતી ટક્કર?
મહુવા
મહુવા બેઠક પર 10 ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો થશે. અહીં ભાજેપ સીટીંગ MLA રાઘવ મકવાણાની જગ્યાએ શિવા ગોહિલને મેદાને ઉતાર્યા હતા. તો કૉંગ્રેસ 2017માં અપક્ષ તરીકે ચૂંટણી લડી રનર અપ રહેલા કનુ કળસળિયાને મેદાને ઉતાર્યા હતા. જ્યારે આમ આદમી પાર્ટીમાંથી અશોક જાળિયા મેદાનમાં હતા. આ બેઠક પર 1998થી ભાજપના ઉમેદવારનો વિજય થતો આવ્યો છે. છઠ્ઠી વાર ભાજપ અહીં બેઠક ટકાવી રાખે છે તે જોવું મહત્વનું બની રહેશે. અહીં શિવા ગોહિલ અને કનુ કળસળિયા વચ્ચે કાંટે કી ટક્કર છે.
તળાજા
આ બેઠક પર કુલ 10 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. 2017માં ભાવનગર જિલ્લાની એક માત્ર બેઠક કૉંગ્રેસને મળી હતી તે તળાજા બેઠક હતી. અહીં કનુ બારૈયાની ગૌતમ ચૌહાણ સામે જીત થઈ હતી. કૉંગ્રેસ કનુ બારૈયાને રિપિટ કર્યા છે. તો ભાજપે ગૌતમ ચૌહાણ પર વધુ એકવાર વિશ્વાસ વ્યકત કરી મેદાનમાં ઉતાર્યા હતા. જ્યારે આમ આદમી પાર્ટીએ લાભુબેન ચૌહાણને ટિકિટ આપી હતી.
ગારિયાધાર
અહીં કુલ 10 ઉમેદવારો મેદાનમાં હતા. જે તમામના ભાવિનો આજે ફેંસલો થશે.ભાજપે અહીં છેલ્લી બે ટર્મથી જીતી રહેલા કેશુ નાકરાણીને ત્રીજી વાર મેદાનમાં ઉતાર્યા હતા. તો કૉંગ્રેસે દિવ્યેશ વાયડાને ટિકિટ આપી હતી. જ્યારે આમ આદમી પાર્ટીએ સુધીર વાઘાણીને મેદાને ઉતાર્યા હતા. આ બેઠક પર સુધીર વાઘાણીએ ભાજપ-કૉંગ્રેસને જોરદાર ટક્કર આપી છે. ત્યારે જિલ્લાની આ બેઠક પરના પરિણામ પર પણ સૌ કોઈની નજર બની રહેશે. આમ આદમી પાર્ટીને આ બેઠક મળવાના ચાન્સ છે.
પાલિતાણા
પાલિતાણા બેઠક પર કુલ 7 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. અહીં 2017માં ભાજપના ભીખાભાઈ બારૈયાએ કૉંગ્રેસના સીટીંગ MLA પ્રવીણ રાઠોડને હાર આપી જીત મેળવી હતી. હવે 2022ના ચૂંટણી જંગમાં ભાજપે ભીખાભાઈને રિપિટ કર્યા છે. તો કૉંગ્રેસ પણ પ્રવીણ રાઠોડને મેદાનમાં ઉતાર્યા હતા. આમ આદમી પાર્ટીએ અહીં ડો. ઝેડ.પી.ખેનીને ટિકિટ આપી હતી. અહીં ભાજપ અને કૉંગ્રેસના ઉમેદવાર વચ્ચે સીધી ટક્કર હતી.
ભાવનગર ગ્રામ્ય
અહીં કુલ 6 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. 2012માં બનેલી આ બેઠક પર યોજાયેલી બે ચૂંટણીમાં ભાજપના પરસોતમ સોલંકીનો વિજય થયો હતો. 2022ના ચૂંટણી જંગમાં પણ ભાજપે અહીં પરસોતમ સોલંકીને મેદાનમાં ઉતાર્યા હતા. તો કૉંગ્રેસે રેવતસિંહ ગોહિલને અને આમ આદમી પાર્ટીએ ખુમાનસિંહ ગોહિલને મેદાનમાં ઉતાર્યા હતા. આ બેઠક પર કોળી મતદારોની સંખ્યાને જોતા પરસોતમ સોલંકીનું પલડું ભારે જોવા મળી રહ્યું છે.
ભાવનગર પૂર્વ
અહીં કુલ 8 ઉમેદવારો મેદાનમાં હતા. ભાજપે અહીં સીટીંગ MLA વિભાવરી બેન દવેની જગ્યાએ સેજલબેન પંડ્યાને મેદાનમાં ઉતાર્યા હતા. તો કૉંગ્રેસે બળદેવ સોલંકી અને આમ આદમી પાર્ટીએ હમીર રાઠોડને ટિકિટ આપી હતી. 1990થી આ બેઠક ભાજપના ગઢ સમાન રહી છે અહીં ભાજપ છેલ્લી સાત ચૂંટણીથી અજેય છે. કૉંગ્રેસ અને અન્ય પક્ષો માટે અહીં ભાજપના ગઢમાં ગાબડું પાડવું મુશ્કેલ જણાઈ રહ્યુ છે .
ભાવનગર પશ્ચિમ
અહીં કુલ 15 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. આ બેઠક પર સુનિલ ઓઝા અને શક્તિસિંહ ગોહિલ જેવા નેતાઓ ચૂંટણી જીતી ચૂક્યા છે. છેલ્લી બે ટર્મથી ભાજપના જીતુ વાઘાણી અહીંથી ચૂંટણી જીત રહ્યા છે. 2022માં પણ ભાજપે જીતુ વાઘાણીને ટિકિટ આપી હતી. જ્યારે કૉંગ્રેસે કિશોરસિંહ ગોહિલ અને રાજુ સોલંકીને મેદાને ઉતર્યા હતા.
સાત બેઠક પર 2017ની સ્થિતિ
2017 વિધાનસભા ચૂંટણીમાં ભાવનગર જિલ્લાની સાત બેઠકો પર ભાજપનો હાથ ઉપર રહ્યો હતો. સાતમાંથી છ બેઠકો ભાજપના ફાળે ગઈ હતી. જ્યારે એક માત્ર તળાજા બેઠક કૉંગ્રેસને મળી હતી. 2022ના ચૂંટણી જંગમાં ભાજપે સાતમાંથી બે નવા ચહેરાને મેદાનમાં ઉતાર્યા હતા. જ્યારે કૉંગ્રેસે પાલિતાણા અને તળાજા સિવાયની પાંચ બેઠકો પર નવા ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા હતા.