Sihor
સિહોર – આજથી ધો. ૧૦-૧૨ની પરીક્ષા : ૧૬ લાખ ૫૦ હજાર પરીક્ષાર્થીઓ
પવાર
ધો.૧૦માં ૯,૫૬,૭૫૩, ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૧,૧૦,૩૮૨, ધો.૧૨ સામાન્ય પ્રવાહ ૫,૬૫,૫૨૮ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા ઉત્સુક : શિક્ષણ બોર્ડની પરીક્ષા ન્યાયિક માહોલમાં યોજવા શિક્ષણ વિભાગ, કલેકટર તંત્ર અને પોલીસ વિભાગના અધિકારીઓ દ્વારા કડક પ્રબંધો : કંટ્રોલ રૂમમાં કામગીરીનો ધમધમાટ : સૌરાષ્ટ્રમાં ૪ લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે : પ્રથમ દિવસે પરીક્ષાર્થીઓનું ઉત્સાહવર્ધક સ્વાગત થશે
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલથી ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આજે પરીક્ષામાં બેઠક વ્યવસ્થા નિહાળવા પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષાર્થીઓ ઉમટી પડયા હતા. ગુજરાત રાજયમાં ગરમીની મૌસમ સાથે પરીક્ષાની મૌસમ પણ ખીલી રહી છે. આવતીકાલથી ગુજરાત રાજયમાં પરીક્ષાનો ફીવર છવાશે. ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તા.૧૪ના મંગળવારથી ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાનો શુભારંભ થઈ રહ્યો છે. શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦ અને ૧૨ની પરીક્ષામાં કુલ ૧૬ લાખ અને ૫૦ હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષાના ફોર્મ ભર્યા છે.
પ્રત્યેક પરીક્ષાર્થી ગેરરીતિમુકત વાતાવરણમાં નિર્ભયતાથી પરીક્ષા આપી શકે તે માટે પરીક્ષાનું સંચાલન માટે એકશન પ્લાન ૨૦૨૩ તૈયાર કરવામાં આવ્યો છે. હાલના સમયમાં શિક્ષણનો વ્યાપમાં વધારો થતાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ નિયમીત રૂપે શિક્ષણ લેતા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. ધો.૧૦ અને ૧૨માં સિહોર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કુલ ૪ લાખથી વધુ વિદ્યાર્થીઓ તેની કારકિર્દીની મહત્વની કસોટી આપવા થનગની રહ્યા છે.