Sihor
સિહોર – બોર્ડના પરીક્ષા કેન્દ્રો પર બેઠક વ્યવસ્થા નિહાળવા વિદ્યાર્થીઓ ઉમટયા
પવાર
આજથી બોર્ડના વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભાવિની કસોટી: કડક પ્રબંધો ; પરીક્ષા સેન્ટરો પર વિદ્યાર્થીઓને કુમકુમ તિલકથી સ્વાગત-મીઠા મોં કરાવી અપાશે શુભેચ્છા ; ધો.10માં ગુજરાતી-હિન્દી પ્રથમ ભાષા, ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં સહકાર પંચાયત વિષયના લેવાશે પ્રથમ પેપર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલ તા.14ને મંગળવારથી સિહોર સહિત રાજયભરમાં ધો.10 અને 12ના વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભાવીની કસોટીનો પ્રારંભ થનાર હોય આ પરીક્ષા સુચારૂરૂપથી લેવાય તે માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ધો.10 અને 12ની પરીક્ષાના કેન્દ્રોને આજે સવારથી બેઠક વ્યવસ્થા નિહાળી શકે તે માટે ખુલ્લા મૂકવામાં આવેલ હતા. આ માટે સિહોર સહિત સૌરાષ્ટ્રમાં જિલ્લા શિક્ષણાધિકારીઓ દ્વારા શાળાઓને ખૂલ્લી રાખવા માટે સુચના આપી દેવામાં આવી હતી.
વિદ્યાર્થીઓ આજે સવારથી પોત પોતાના પરીક્ષા કેન્દ્રો પર પહોંચી પોતાનો બેઠક ક્રમાંક અને બહારથી વર્ગખંડ નિહાળી રહ્યા છે. અહીં એ ઉલ્લેખનીય છે કે શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને અગાઉ હોલ ટીકીટ વિતરણ કરી દેવામાં આવેલ હતું. પરીક્ષાના આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા હોય વિદ્યાર્થીઓ છેલ્લી ઘડીની તૈયારીરૂપે અભ્યાસક્રમોનું રીવીઝન કરી રહ્યા છે.