Sihor
સિહોર ; આ વર્ષે પીચકારી વધુ મોંઘી: 30થી 40 ટકાનો ભાવ વધારો
દેવરાજ
- કલરમાં કોઈ ભાવ વધારો નહીં ; કલર-પીચકારીનાં ઓર્ડરમાં માલની અછત : હાલ હોલસેલ માર્કેટમાં ખરીદીની રોનક ; આગામી સપ્તાહથી રીટેઈલ ખરીદી નીકળવાની આશા : બજારોમાં કલર-પીચકારીઓનું વેચાણ શરૂ
હોળી-ધુળેટી તહેવાર નજીક આવતા બજારોમાં રંગબેરંગી કલર સાથે પીચકારીઓનું બજારોમાં વેચાણ શરૂ થઈ ચુકયું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળી-ધૂળેટી પર્વમાં રંગબેરંગી કલર સાથે પીચકારી-ગન, કાચા-પાકા રંગ સહિતની ચીજવસ્તુઓનું હોલસેલ માર્કેટ ઉચકાયું છે.
આગામી સપ્તાહમાં રીટેઈલ માર્કેટમાં ધૂમ ખરીદી નીકળે તેવી વેપારીઓમાં આશા છે. ફાગણ માસના હિન્દુ તહેવાર હોળી-ધૂળેટીનું શાસ્ત્રોકત દ્દષ્ટિએ અનેરૂ મહત્વ છે સાથે રંગોત્સવનું પણ પર્વ છે. હોલીકા દહનનાં બીજા દિવસે ધુળેટી પર્વમાં નાના-બાળકોથી યુવા વર્ગ સૌ કોઈ અરસપરસ અબીલ-ગુલાલ, કાચા-પાકા રંગ છાંટી ધૂળેટી પર્વની ઉજવણી કરે છે.
સિહોરમાં અનેક સ્થળોએ રંગબેરંગી કલર સાથે નાની મોટી પીચકારીનું વેચાણ શરૂ થઈ ચુકયું છે. આગામી સપ્તાહે ખરીદી નીકળશે તેવી વેપારીઓને આશાઓ રહેલી છે આ વર્ષે કલરના ભાવમાં કોઈ ભાવ વધારો નથી. પ્લાસ્ટીકવેર પીચકારીની અલગ અલગ રેન્જમાં 30થી 40 ટકાનો ભાવ વધારો છે. આગામી દિવસોમાં હવે શેરી-ગલીઓમાં ફેરીયાઓ રેકડીઓમાં કલર-પીચકારી વેચવા નીકળશે. હોળી-ધૂળેટી પર્વમાં આ વર્ષે રંગોત્સવ જામશે.