Sihor
સિહોર ; નોટોના દલાલો સક્રિય બન્યા, 3 થી 5 ટકા સુધીનું કમિશન લઇ નોટો બદલી આપવાનો વેપલો શરૂ
બરફવાળા
નોટબંધી જેવી પરિસ્થિતિઓનો સામનો કરતા લોકો
સિહોર : આરબીઆઈ દ્વારા રૂા.૨ હજારની નોટને ચલણમાંથી પરત લેવાના આદેશ બાદ નોટ બદલવાના જાહેર કરેલ નિતી-નિયમોના કારણે સિહોર જ નહીં જિલ્લામાં ઘણા ખરા બે નંબરીયાઓની ઉંઘ હરામ થઈ જવા પામી છે. તો બીજી તરફ નોટબંધીની જેમ હવે દલાલો સક્રીય બન્યા છે અને ત્રણથી પાંચ ટકાના કમિશનથી નોટ બદલવાના વેપલા પણ શરૂ થયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આરબીઆઈ દ્વારા ગત શુક્રવારે રૂા.૨ હજારની નોટને ચલણમાંથી પરત લેવા જાહેરાત કરાઈ હતી. ઉપરાંત આગામી ૩૦ સપ્ટેમ્બર સુધી બેંકમાં રૂા.૨ હજારની નોટ જમા કરાવવા સાથે નોટ બદલીની વ્યવસ્થા ઉભી કરવા સાથે કેટલાક નિયમો પણ જાહેર કરાયા હતા.
તેની સીધી અસર બજારમાં જોવા મળી હતી. જિલ્લાના બજારમાં કેટલાક પેટ્રોલ પંપ તથા હોટલ સંચાલકો સહીતના વેપારીઓ દ્વારા રૂા.૨ હજારની નોટનો અસ્વીકાર કરવામાં આવતા વિખવાદ ઉભા થયા હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ બેંકમાં પ્રતિદિન રૂા.૨ હજારની દસ નોટ જ બદલી શકાશે તેવા નિયમના પગલે બે નંબરીયાઓની ઉંઘ હરામ થઈ ગઈ છે. સાથે સાથે બજારમાં કેટલાક દલાલો પણ સક્રીય બન્યા છે અને ત્રણથી પાંચ ટકા કમિશન ઓફર કરી મોટા પ્રમાણમાં નોટ બદલી આપવાની ઓફર કરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે અગાઉ થયેલ નોટબંધી સમયે નોટ બદલવા માટે દલાલો દ્વારા ઉંચું કમિશન વસૂલી વેપલા કરાયા હતા. આ જ પરિસ્થિતિનું પુનરાવર્તન થઈ રહ્યું હોવાનું માર્કેટમાં ચર્ચાની એરણે ચઢ્યું છે. જો કે આરબીઆઈ દ્વારા નોટ બદલવા માટે પુરતો સમય આપ્યો હોઈ જેમ જેમ સમય નજીક આવશે તેમ તેમ ટકાવારી ઉંચી જશે તેવી પણ વાતો વહેતી થઈ છે.