Sihor
સિહોર ; સિંધી સમાજના ઈષ્ટદેવ ઝૂલેલાલ ચાલીસા વ્રતનો આસ્થાભેર પ્રારંભ થયો
Pvar
સમસ્ત સિંધી સમાજમાં પ્રવર્તિ રહેલો અપૂર્વ હર્ષોલ્લાસ, 40 દિવસ સુધી વ્રતધારકો આકરા નિયમોના ચુસ્ત પાલન સાથે વ્રત કરશે
સિહોર શહેર અને જિલ્લાભરમાં આજથી તા.૧૩ જુલાઈને ગુરુવારથી સમસ્ત સિંધી સમાજના ઈષ્ટદેવ ઝૂલેલાલના ચાલીસા વ્રતનો આસ્થાભેર શુભારંભ થયો છે. આ ધર્મોત્સવને અનુલક્ષીને સમસ્ત સિંધી સમાજમાં અપૂર્વ હર્ષોલ્લાસ પ્રવર્તિ રહ્યો છે.
સિંધી સમાજ દ્વારા ઈષ્ટદેવ ઝુલેલાલના ચાલીસા વ્રતની પરંપરાગત રીતે હર્ષોલ્લાસપૂર્ણ ધામધૂમથી ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે. આગામી ૪૦ દિવસ સુધી સિંધી સમાજ ચાલીસા વ્રતની ઉજવણીમાં મગ્ન બની જશે.અને છેલ્લા દિવસે દરિયામાં મકટી પ્રવહન કરીને ચાલીસા વ્રતની ભાવ અને ભકિતભેર પૂર્ણાહુતિ કરવામાં આવશે. આ ઉત્સવની ઉજવણીને અનુલક્ષીને શહેરના સિંધી કેમ્પ ખાતે આવેલા સમાજના ઈષ્ટદેવ ઝુલેલાલના મંદિરમાં નયનરમ્ય ઈલેકટ્રોનિકસ સુશોભન અને શણગાર કરવામાં આવ્યો છે.
સિંધી સમાજ દ્વારા આ ચાલીસા વ્રત દરમિયાન મંદિરમાં ચાલીસાની પૂજા સહિતના વિશિષ્ઠ આયોજનો પણ કરવામાં આવશે. દરરોજ વિશિષ્ટ પુજા, સત્સંગ, કિર્તન અને આરતીનું વિશેષ આયોજન કરવામાં આવેલ છે. આગામી ૪૦ દિવસ બાદ આ ચાલીસા વ્રતનું આરતી, પૂજન અર્ચન અને ડીજેના સથવારે વિશાળ રંગદર્શી શોભાયાત્રા સાથે સમાપન થશે.તમામ કાર્યક્રમોમાં શ્રધ્ધાળુઓ ભાવભકિતભેર જોડાશે. શોભાયાત્રાના રૂટ પર ઠેર ઠેર પ્રસાદીનું વિતરણ કરાશે આયોજન સંદર્ભે સેવાધારીઓ દ્વારા તડામાર તૈયારીઓ થઈ રહી છે.