Sihor
સિહોરમાં હાઇવે પર દોઢ કિ.મી ટ્રાફીક જામ ; ટાવર ચોકથી રેસ્ટ હાઉસ સુધી વાહનોની લાંબી કતાર
દેવરાજ
સવારના સમયે હાઇ-વે પર બિસમાર રસ્તાના કારણે દોઢથી બે કલાક લોકો ભારે ટ્રાફિકમાં ફસાયા, માર્ગો પર પડેલા મસમોટા ખાડા અકસ્માતને નોતરી રહ્યા છે
સિહોરમાં બસ સ્ટેશનથી ગરીબશા પીર સુધી ભાવનગર-રાજકોટ હાઈવે ઉપર મસમોટા ખાડા ખડીયા પડી જતા અવાર નવાર નાના મોટા અકસ્માત સર્જાઈ રહ્યા છે. છાશવારે વાહનો ફસાઈ જવાના કારણે વાહનોને નુકસાની થવા પામે છે. રસ્તા પર વાહનો બંધ પડવાના બનાવોને લઈ ટ્રાફિક જામની સમસ્યા અવાર નવાર સર્જાતી જોવા મળી રહી છે. રોડ પરના ખાડાઓને લઈ અનેકવાર રજુઆતો કરવામાં આવી છે. પરંતુ તંત્રનુ પેટનુ પાણી ન હલતા લોકોમાં રોષની લાગણી ફેલાવા પામી છે. સિહોરમાંથી પસાર થતા ભાવનગર રાજકોટ હાઇવે પર સતત બેશુમાર માત્રામાં દોડતા વાહનોને કારણે નાનો બનતો જાય છે અને એમાંય ટાણા ચોકડી, બસ્ટેન્ડ, આસપાસ રોડના ખાડાઓના કારણે વારંવાર લાંબો સમય ટ્રાફિક જામ થઇ જાય છે આજે સવારના સમયે ટાણા ચોકડી અને બસ્ટેન્ડ પાસે ભારેખમ ટ્રાફિક જામ સર્જાયો હતો જેને કારણે વાહન ચાલકો તોબા પોકારી ગયા હતા.
ખાડાઓના કારણે દોઢથી બે કલાક લોકો ટ્રાફિકમાં ફસાયા હતા. સિહોરમાંથી પસાર થતાં રાજ્ય ધોરી માર્ગ પર છેલ્લા કેટલાક સમયથી વાહનોની ભરમાર વધી ગઇ છે. વસતીના અનુપાતમાં વાહનો પણ વધ્યા છે અને પ્રવર્તમાન સમયમાં ચાલતો લગ્નગાળો આથી સિહોરમાં અત્યારે બેશુમાર વાહનો દોડે છે. સિહોરની ત્રણ દિશામાં ભાવનગર, અમદાવાદ, રાજકોટ, જામનગર કચ્છ-ભુજ,પોરબંદર, જુનાગઢ, અમરેલી સહિતના નાના-મોટા શહેરો તરફ પુષ્કળ વાહનો આવ-જા કરતા હોય છે. આજે સવારના સમયે ટાણા ચોકડી અને બસ્ટેન્ડ પાસે ભારેખમ ટ્રાફિક જામ સર્જાયો હતો. ટાવર ચોકથી રેસ્ટે હાઉસ સુધીના દોઢેક કિલોમીટરના રસ્તામાં સિહોરે અગાઉ કયારેય ન જોયું હોય એટલું મોટું ટ્રાફિક સર્જાયું હતું. વાહનોની કતાર જ કતાર જોવા મળતી હતી.