Sihor
સિહોર શહેરમાં સફાઈ કામદારો જાહેરમાં કચરો સળગાવે છે ; આરોગ્ય સાથે ચેડાં
દેવરાજ
કચરાપેટીઓ અકળ કારણસર નિયત સ્થળોએથી દૂર કરાઈ ; કચરો સળગાવાથી દિવાલો પર પડી ગયેલા કાળા ડિબાંગ ધાબાઓ દૂર કરવાની તંત્ર તસ્દી લેતુ નથી
સિહોર શહેરમાં સફાઈ કામદારો દ્વારા જે તે વોર્ડમાં સફાઈ કાર્ય કરાયા બાદ ઘનકચરાને જાહેરમાં સળગાવવામાં આવતો હોવાની જાગૃત નાગરિકોમાં વ્યાપક પ્રમાણમાં ફરીયાદ ઉઠવા પામેલ છે. આ રીતે જાહેરમાં કચરાને સળગાવવામાં આવતો હોય સ્થાનિક રહિશોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા હોવા છતા જવાબદાર પદાધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે. સિહોર શહેરના દરેક વોર્ડના વિવિધ વિસ્તારોમાં સફાઈકામદારો દ્વારા જે તે વિસ્તારોમાં સફાઈકાર્ય કરવામાં આવે છે
બાદ જે તે સ્થળે એકત્ર કરાયેલા કચરાના ઢગલામાં મોટા ભાગે પ્લાસ્ટીકના ઝબલાઓ, પાન માવાના કાગળો, ચા-પાણીના મીની કપ,ગ્લાસ સહિતના વેસ્ટેજના ઢગલાઓ તેઓ ઉપાડી લઈને નજીકની કચરાપેટીઓમાં નાખવા જવાની પણ તસ્દી લેતા નથી. નગરપાલિકા દ્વારા લાખો રૂપીયાના ખર્ચે વસાવવામાં આવેલી કચરાપેટીઓ જે તે વિસ્તારમાંથી અકળ કારણસર દૂર કરી દેવામાં આવતા સફાઈકામદારો દ્વારા ભેગા કરાયેલા કચરાના ઢગલાઓ જયાં ને ત્યાં સરાજાહેર બેરોકટોકપણે સળગાવવામાં આવી રહ્યા છે જેથી નજીકના મકાનમાલીકો તથા વેપારીઓની દિવાલો ઉપર કાળાડિબાંગ ધાબાઓ પાડી દેવામાં આવ્યા છે. તેમજ આવો કચરો જાહેરમાં સળગાવાથી સિહોરની જનતાનું આરોગ્ય જોખમાઈ રહ્યુ છે. હાલમાં શિયાળુ સત્ર ચાલી રહ્યુ હોય આવા ઘનકચરામાંથી ઉત્પન્ન થતો ધૂમાડો ઉપર પ્રસરી જતો ન હોય વહેલી સવારે વોકીંગ માટે નિકળતા રહિશોને તેનો ભોગ બનવુ પડે છે.
લોકોમાં પણ આ બાબતને લઈને ભારે આક્રોશ વ્યાપેલ છે. ત્યારે આ ધનકચરામાં પ્લાસ્ટીક અને રબ્બર જેવી વસ્તુ સળગાવવામાં આવતી હોય મેડીકલ સાયન્સ મુજબ લોકોના ફેફસામાં તે જવાથી ટી.બી. જેવા ગંભીર રોગ થવાની સંભાવના રહેલી છે. એટલુ જ નહિ કયારેક આગ લાગવાની પણ સંભાવના રહેલી છે. ત્યારે સરકાર સ્વચ્છતા અભિયાન અંતગર્ત લાખો રૂપીયાના ખર્ચ કરે છે અને સ્વચ્છતા એપ ડાઉનલોડ કરી ફરીયાદોનો નિકાલ કરાવવાની સુચના અપાઈ છે જે માત્ર કાગળ પર જ ચાલતુ હોય તેવુ સૌને લાગી રહ્યુ છે.