Gujarat
દિવાળી પહેલા બજારોમા જામી ભીડ! અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાના માર્કેટોમાં પગ મૂકવાની પણ જગ્યા નહીં
દિવાળીના દિવસો નજીક આવી રહ્યા છે. તહેવારોમાં લોકો ખરીદી કરી રહ્યા છે. આ વર્ષે મંદીની અસર પણ જોવા મળી હતી પરંતુ લોકોમાં તહેવારોનો ઉત્સાહ માર્કેટમાં જોવા મળી રહ્યો છે. લોકો દિવાળી માટે કપડા અને ઘર ડેકોરેશનના સામાનની ધૂમ ખરીદી કરી રહ્યા છે.
ગુજરાતમાં લોકો દિવાળી ધૂમ ધામથી ઉજવે છે. ત્યારે ગુજરાતનું મેટ્રો સીટી અમદાવાદની બજારોમાં ભીડ જોવા મળી રહી છે.દિવાળીને લઈને દૂર દૂરથી લોકો ખરીદી કરવા માટે ગોતા માર્કેટ પહોંચ્યા હતા. નવા વર્ષની ઉજવણી ને લઇ લોકો કપડા બુટ ચપ્પલ સહિતની વસ્તુની ખરીદી રહ્યા છે.
સુરત શહેર દિવાળી પહેલાના રવિવારથી જ માર્કેટમાં ભીડ જામવા લાગી છે. ત્યારે વરાછા વિસ્તારમાં માર્કેટમા ભીડ જામી હતી. લોકો નવા કપડા અને દિવાળીની ખરીદી માટે ઉમટી પડ્યા છે. સુરતમાં ઉદ્યોગોમાં મોટાભાગે લોકો વતનથી કામ કરવા માટે આવે છે ત્યારે વતન પરત ફરતા પહેલા લોકોએ ખરીદી કરવાનું ચાલુ કરી દીધું હતું. અને આગામી દિવસોમાં ઘણા લોકો પોતાના વતનમાં ફરશે. હાલ બસ અને ટ્રેનમાં ભીડ જોવા મળી રહી છે. આ વર્ષે સુરતમાં રેડીમેડ ગાર્મેન્ટ બજારમાં મંદીનો માહોલ જોવા મળ્યો છે.
સૌરાષ્ટ્રના રાજકોટ શહેરમાં હમણાં જ આપણા દેશના પીએમએ મુલાકાત લીધી હતી. અને તેમના સ્વાગત માટે શહેરને શણગારવામાં આવ્યું હતું જે હવે દિવાળી સુધી આ જ રીતે જગમગતું રહેવાનું છે. રાજકોટના ધર્મેન્દ્ર રોડમાં લોકોની ભીડ જોવા મળી રહી છે. ફટાકડા બજારમાં ખરીદી માટે ભીડ જોવા મળી છે. આ વખતે ફટાકડાના ભાવમાં પણ તોતિંગ વધારો નોંધાયો છે.
વાત કરીએ વડોદરાની તો ત્યાની બજારોમાં પણ રોનક જોવા મળી છે. લોકો મીઠાઈ, ફટાકડા અને કપડાની ખરીદી માટે બજારોમાં ઉમટી પડ્યા છે. લોકો અવનવી વાનગીઓના ઓર્ડર આપી રહ્યા છે. લોકોમાં દિવાળીના પર્વને લઈને ખુશીઓ જોવા મળી રહી છે.
આ સિવાય ગુજરાતના બીજા તમામ શહેરમાં પણ માનવ મહેરામણ ઉમટ્યું હતું. બજારોમાં કોરોના પછી 2 વર્ષ બાદ લોકો ધામધુમથી તહેવારની ઉજવણી કરવાનું છે. ત્યારે લોકો ખરીદી કરવાથી લઈને ઘરમાં પણ સજાવટ કરી રહ્યા છે.