Bhavnagar
ભાવનગર ; સવા ચાર લાખની કિંમતના ઈંગ્લીશ દારૂ બિયર સાથે શખ્સની ધરપકડ
દેવરાજ
મહુવાના કુંડળ-ઢસિયા ગામમાં આવેલ વાડીમાં એલ.સી.બી.એ દરોડો પાડી રૂ.૧૧.૪૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કુંડળ-ઢસીયા ગામની સીમમાં આવેલ વાડીમાં એલ.સી.બી. એ દરોડો પાડી રૂ.૪.૨૨ લાખની કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલ અને બિયરના જથ્થા સાથે મહુવાના શખ્સને ઝડપી લઇ કુલ રૂ. ૧૧.૪૨ લાખનો મુદ્દામાલ કબજે કરી ૬ ઇસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કવોડ ટીમ મહુવા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મહુવા તાલુકાના કુંડળ ઢસિયા ગામની સીમમાં આવેલ મેહુલ મધુભાઈ સોલંકીની વાડીમાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ અને બિયરની હેરાફેરી થતી
હોવાની મળેલી બાતમીના આધારે વાડીમાં દરોડો પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી ૨૫૩૬ બોટલ અને ૪૮૦ બિયરના ટીન, કિં. રૂ. ૪,૨૨,૦૪૦ એક ટ્રોલી સાથેનું ટ્રેક્ટર તેમજ સુઝુકી કંપનીનું એક્સેસ સ્કુટર મળી કુલ રૂ. ૧૧,૪૨,૦૪૦ ના મુદ્દામાલ સાથે અશ્વિન ઉર્ફે કાળીયો ધીરુભાઈ શિયાળ રહે. જનતા પ્લોટ, મહુવા વાળાને ઝડપી લીધો હતો. વિદેશી બનાવટનો દારૂ અને બિયરની હેરાફેરીમાં ભાવેશ વીરાભાઇ વાસીયા, શ્યામ પેથાભાઇ ગઢવી, હિતેશ રવજીભાઈ સરવૈયા રહે. તમામ મહુવા તેમજ વાડીના માલિક મેહુલ મધુભાઈ સોલંકી રહે. કુંડળ ઢસિયા તેમજ એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ પ્રોહિબિશનની કલમ હેઠળ ગુનો દાખલ કરાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.