Sihor
રાજવી કૃષ્ણકુમારસિંહજીની આજે પુણ્યતિથિ ; સિહોરના ખાંભા ગ્રામ પંચાયત ખાતે પુષ્પાંજલિ અર્પણ કરાઈ
દેવરાજ
મહારાજાને ભાવનગરની પ્રજા ક્યારેય નહીં ભૂલી શકે, આવતા દિવસોમાં ખાંભા ગામે રાજવી કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમા સ્થાપિત કરી અનાવરણ કરીશું ; શિલ્પાબેન મોરીની મોટી જાહેરાત
માત્ર ભાવનગર નહીં પણ સમગ્ર દેશને આઝાદી બાદ એક તાંતણે ગુંથવામાં પોતાના ભાવનગર રાજ્યને સૌ પ્રથમ રાષ્ટ્રના ચરણે અર્પણ કરી દેશને એક રાખવામાં અનન્ય ફાળો આપનારા ભાવનગરના પ્રજાવત્સલ રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પુણ્યતિથિ તા.2 એપ્રિલના રોજ હોવાથી આજે સિહોરના ખાંભા ગામે પંચાયત ઓફિસ ખાતે મહારાજાને પુષ્પાંજલી કરવાનો કાર્યક્રમ યોજાયો હતો મહારાજા કૃષ્ણકુમારસિંહજી એક એવા રાજવી છે જેને આજે પણ ભાવનગરની પ્રજા ભુલી શકી નથી.


તેમના પ્રજાલક્ષી સુધારાઓ, લોકતંત્રમાં પૂર્ણ વિશ્વાસ, નાનામાં નાના માણસની પણ વેદના સાંભળવી અને ઉકેલવી, જમાનાને અનુરૂપ સુધારા કરી નગર અને પ્રજાને વિકાસના પંથે દોરી જવા, શિક્ષણ અને આરોગ્ય માટે દિર્ઘદ્રષ્ટિ વાપરી પગલા લેવા, સમયને ઓળખી પરિવર્તન કરવું અને અન્યને પણ પ્રેરિત કરવા જેવા અસંખ્ય ગુણો પ્રાત:સ્મરણીય રાજવીમાં હતા જેને આજે પણ પ્રજા યાદ કરે છે. રાજવી હોવા છતાં પ્રજાને જવાબદાર લોક તંત્ર આપવાનો આરંભ પણ તેઓએ કર્યો હતો. મહાત્મા ગાંધીજીને સદાય તેમની પ્રત્યે માનની નજર રહી હતી.


દેશને મળી બાદ તેઓએ મદ્રાસના ગર્વનર તરીકે જે કાર્ય કર્યુ તેને આજે પણ મદ્રાસના લોકો યાદ કરે છે. તેમણે 1800 પાદર ભારત સરકારને સોપ્યા અને ત્યારબાદ મદ્રાસના ગવર્નર બની માત્ર એક રૂપિયાના વેતન સાથે પ્રજાની સેવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું. ત્યારે ભાવનગરના પ્રજાવત્સલ રાજવી નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલ ની પુણ્યતિથિ નિમિત્તે ખાંભા ગ્રામ પંચાયત દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી જેમાં સરપંચ, ઉપ સરપંચ, સભ્યશ્રી, આગેવાનો, યુવાનો, બહેનો ઉપસ્થિત રહ્યા હતા આવતા નજીકના દિવસોમાં ખાંભા ગામે નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજી ની પ્રતિમા સ્થાપિત કરી અનાવરણ કરવામાં આવશે તેવું મહિલા સરપંચ શિલ્પાબેન મોરીએ જણાવ્યુ હતું.