Sihor
તા.12-13 દક્ષિણ ગુજરાત અને 14મીએ ભાવનગર સહિત સૌરાષ્ટ્રનાં અમુક ભાગોમાં માવઠાની શકયતા
દેવરાજ
બંગાળની ખાડીનું લોપ્રેશર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ : હવામાન વિભાગની આગાહીનાં પગલે ખેડૂતો ચિંતીત; આજે ભાવનગર સહિત રાજયમાં માત્ર ગુલાબી ઠંડી અનુભવાઈ
બંગાળની ખાડીનું લોપ્રેશર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાત- સૌરાષ્ટ્રના અમૂક ભાગોમાં માવઠું થવાની શકયતા હવામાન વિભાગે વ્યકત કરી છે. માસ કરીને આવતી તા.12-13 એટલે કે આવતા સોમ-મંગળ વારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ દક્ષિણ ગુજરાતનાં અમૂક સ્થળોએ જ છૂટો છવાયો વરસાદ પડી શકે છે. જયારે તા.14ને બુધવારનાં રોજ સૌરાષ્ટ્રના અમૂક ભાગોમાં જ છુટાછવાયા ઝાપટા પડી શકે છે. ખાસ કરીને ભાવનગર જૂનાગઢ, અને સુરેન્દ્રનગર જિલ્લામાં માવઠું થવાની શકયતા છે. આ આગાહીનાં પગલે ખેડૂતોમાં ફરી ચિંતા છવાઈ છે.
દરમ્યાન આજરોજ કચ્છનાં નલિયાને બાદ કરતા સૌરાષ્ટ્ર-ગુજરાતમાં માત્ર ગુલાબી ઠંડી અનુભવાઈ હતી. આજે સવારે નલિયા ખાતે 9 ડિગ્રી સાથે તીવ્ર ઠંડી અનુભવાઈ હતી. જો કે રાજકોટ સહિત મોટાભાગના સ્થળોએ માત્ર ગુલાબી ઠંડીનો માહોલ રહ્યો હતો. દરમ્યાન આજે સવારે અમદાવાદ ખાતે 14.7 ડિગ્રી, અમરેલીમાં 14.4 ડિગ્રી, વડોદરામાં 13 ડિગ્રી, ભાવનગરમાં 14.8 તથા ભૂજમાં 14 ડિગ્રી સાથે ગુલાબી ઠંડક અનુભવાઈ હતી. આ ઉપરાંત આજે સવારે દમણ ખાતે 13.8 ડિગ્રી, ડિસામાં 12.5 ડિગ્રી, દિવમાં 16.4, દ્વારકામાં 18 ડિગ્રી, અને કંડલા ખાતે 15.9 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાવા પામ્યું હતું. તથા આજે સવારે ઓખામાં 22 ડિગ્રી, પોરબંદર- રાજકોટમાં 14 ડિગ્રી, તેમજ સુરતમાં 18.2 અને વેરાવળ ખાતે 18.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાવા પામ્યું હતું.