Bhavnagar
સાંજે ચંદ્રદર્શન થતા જ પવિત્ર રમઝાન માસનો પ્રારંભ : કાલે પ્રથમ રોજૂ
પવાર
જૂમ્મેરાત અને ચાંદરાત એક સાથે આવતા મુસ્લિમ સમાજમાં ખુશી બેવડાઈ: રૂહાની માહોલ : મુસ્લિમ બિરાદરો રોઝા રાખી પાંચ ટાઈમની નમાઝ અદા કરી બંદગી કરશે : 30 રોજા થવાની શકયતા : રોજેદારોની 14 કલાકની થશે કસોટી : મસ્જિદોમાં યોજાશે રોજા ઈફતારીના કાર્યકમો
મુસ્લિમ સમાજમાં જેનું વિશેષ મહત્વ રહેલું છે તે પવિત્ર રમઝાન માસમાં આજે સાંજે ચંદ્ર દર્શન થતાની સાથે જ પ્રારંભ થનાર છે. રમઝાન માસનો પ્રારંભ થતા જ સાંજે તરાબીની પ્રથમ નમાઝ મુસ્લિમ બીરાદરો અદા કરશે. અહીં એ ઉલ્લેખનીય છે કે આ વખતે જૂમ્મેરાત અને ચાંદરાત એક સાથે આવેલ છે તેમજ આવતીકાલે જૂમ્માના દિવસે પ્રથમ રોઝુ થનાર હોય મુસ્લિમ સમાજની ખુશી બેવડાઈ જવા પામી છે. રમઝાન દરમ્યાન 30 રોઝા થવાની શકયતા છે. પવિત્ર રમઝાન માસ દરમ્યાન મુસ્લિમ બીરાદરો પાંચ ટાઈમની નમાઝ અદા કરી ખુદાની બંદગી કરશે તેની સાથો સાથ જકાત ખેરાત કરી પુણ્યનું ભાથુ બાંધશે. રમઝાન માસમાં રોઝેદારોના રોઝૂ 14 કલાકનું થશે. રમઝાન માસને લઈ મુસ્લિમ સમાજમા રૂહાની માહોલ છવાઈ જવા પામેલ છે. આ વખતે જૂમ્મા મુબારકના દિવસથી રમઝાન માસનો પ્રારંભ થતો હોય મુસ્લિમ સમાજમાં ખુશીનો માહોલ કંઈક ઔર જ છે.
શહેરની તમામ મસ્જીદોને રોશનીનો શણગાર કરવામાં આવેલ છે. આવતીકાલે જૂમ્મા મુબારકના દિવસે પ્રથમ રોઝુ હોય મુસ્લિમ બીરાદરો નમાઝ અદા કરવા માટે મસ્જીદોમાં ઉમટી પહશે. રમઝાન માસને અનુલક્ષીને શહેરની તમામ મસ્જીદોમાં રોઝા ઈફતારીના કાર્યક્રમો આયોજીત કરવામાં આવેલ છે. રમઝાન માસ એ ઈબાદતનો માસ ગણાય છે. હિન્દુ સમાજની ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થયા બાદ સાંજે ચંદ્રદર્શન થતા રમઝાન માસનો પણ પ્રારંભ થઈ જશે. રમઝાન માસને અનુલક્ષી મસ્જીદોમાં કુરાન શરીફનું પઠન થશે આ વખતે 30 રોઝા થવાની પુરેપુરી શકયતા રહેલી છે. આ ઉપરાંત રમઝાન માસમાં પાંચ શુક્રવાર પણ આવતા હોય મુસ્લીમ સમાજમાં ભારે ઉત્સાહ છવાઈ જવા પામેલ છે.