Bhavnagar
પોતાના શાસનના નવ વર્ષનો પૂરો હિસાબ આપનાર શ્રી નરેન્દ્ર મોદી દેશના પ્રથમ વડાપ્રધાન
પવાર
- ભાવનગર ખાતે લોકસભાની જનસભાને સંબોધન કરતા ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી ચંદ્રકાંત પાટીલ
ભાવનગર ખાતે લોકસભાની યોજાયેલ જનસભામાં ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી ચંદ્રકાંત પાટિલે દેશના વિકાસમાં ભાજપ અને વડાપ્રધાન શ્રીની ભૂમિકા ગૌરવભેર વર્ણવી. પોતાના શાસનના નવ વર્ષનો પૂરો હિસાબ આપનાર શ્રી નરેન્દ્ર મોદી દેશના પ્રથમ વડાપ્રધાન રહ્યાનું જણાવ્યું. આગામી લોકસભાની ચૂંટણી પૂર્વે ભારતીય જનતા પક્ષ દ્વારા સુશાસનનો ચિતાર આપવા હેતુ શરૂ થયેલા કાર્યક્રમો અનુસાર શ્રી કૃષ્ણકુમારસિંહજી માર્કેટ યાર્ડ ભાવનગર ખાતે લોકસભાની જનસભા યોજાઈ ગઈ. અહી અધ્યક્ષ સ્થાને રહેલા ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી ચંદ્રકાંત પાટિલે દેશના વિકાસમાં ભાજપ અને વડાપ્રધાન શ્રીની ભૂમિકા ગૌરવભેર વર્ણવી સુરક્ષા, વિકાસ અને આપેલા વચનોની પૂર્તિ કર્યાનું જણાવ્યું. પોતાના શાસનના નવ વર્ષનો પૂરો હિસાબ આપનાર શ્રી નરેન્દ્ર મોદી દેશના પ્રથમ વડાપ્રધાન રહ્યાનું જણાવ્યું તથા દેશ અને દુનિયામાં મેળવેલા સ્થાન માટે સૌ કોઈને ગૌરવ હોવાનું કહ્યું. તેઓએ અગાઉના શાસનમાં રહેલા ભ્રષ્ટાચાર અને અપ્રમાણિકતા અંગે ખેદ વ્યક્ત કર્યો.
ભાજપ શાસનમાં મહિલા, ખેડૂત સહિત એક એક વ્યક્તિ સુધી વિકાસ પહોંચ્યા અંગે તેમજ કોરોના બિમારીમાં થયેલ કામગીરીનો ઉલ્લેખ કર્યો. શ્રી ચંદ્રકાંત પાટિલે તેમના ઉદબોધન પ્રારંભે શ્રી ખોડીયાર મંદિર, મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી, શ્રી બજરંગદાસબાપા સાથે શ્રી મોરારિબાપુની ભૂમિ એટલે ભાવનગરની ભૂમિને વંદના કરી હતી. આ જનસભાને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી સંતોષજી ગંગવારે સંબોધન કરી વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ભારતની ઉભરતી છબી અંગે જણાવ્યું. તેઓએ ભાજપના કાર્યકર્તાઓ બોલવામાં નહિ પણ કામ કરવામાં માને છે તેમ ઉમેર્યું. ભાજપ રાષ્ટ્રિય ઉપાધ્યક્ષ અને સાંસદ શ્રી ભારતીબેન શિયાળે વૈશ્વિક કક્ષાએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને મળી રહેલા સન્માન અંગે જણાવી હવે દેશમાં ખરા અર્થમાં સુરાજ્ય આવ્યાનું કહ્યું. તેઓએ ભાવનગરના વિકાસનો પણ ઉલ્લેખ કર્યો હતો. ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધન ઝડફિયાએ આગામી ચૂંટણીઓના શંખ ફૂંકવાના આ કાર્યક્રમો ગણાવી કાર્યકર્તાઓના સંકલ્પથી શાસનનો આ કાળ ભારતના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે તેમ જણાવ્યું. વડાપ્રધાન શ્રી દ્વારા આંતરરાષ્ટ્રિય મુલાકાતોની થતી ટીકા સામે વળતો જવાબ આપતા કહ્યું કે, મિત્ર દેશ, વ્યાપારી દેશ અને દુશ્મન દેશ, એમ કોની સાથે કેમ કામ લેવાય તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સારી રીતે જાણે છે. અહી ધારાસભ્યો શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રી સેજલબેન પંડ્યા, શ્રી શિવાભાઈ ગોહિલ તથા શ્રી ગૌતમભાઈ ચૌહાણ અને શ્રી કેશુભાઈ નાકરાણીએ ભાજપની કાર્યપ્રણાલી અંગે પ્રાસંગિક વાત કરી હતી.