Sihor
કોરોનાની નવી લહેર સામે લડવા સિહોરનું તંત્ર સજ્જ : સ્થિતિનો તાગ મેળવતાં નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમ
પવાર
સિહોર સરકારી હોસ્પિટલના તમામ વિભાગના તબીબો સહિતના અધિકારીઓ સાથે પ્રમુખની મહત્ત્વની બેઠક : અન્ય બીમારીઓના દર્દીઓને હાલાકી ન પડે તે માટે તમામ તૈયારીઓનો આખરી ઓપ દવા-ઑક્સિજનનો જથ્થો પૂરતો હોવાનો દાવો ; લોકોને ગભરાઈ નહીં જવા પરંતુ સાવધાની રાખવા પ્રમુખની અપીલ
ચીન, અમેરિકા, બ્રાઝીલ, કોરિયા સહિતના દેશોમાં કોરોનાની નવી લહેર આવી ચૂકી છે જેના કારણે દરરોજ કેસ અને મૃત્યુમાં વધારો નોંધાઈ રહ્યો છે. બીજી બાજુ સદ્ભાગ્યે ભારતમાં હજુ સ્થિતિ કાબૂમાં છે ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અત્યારથી જ સાવધાનીના પગલાં ઉઠાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.
દરમિયાન આજે સિહોરની સરકારી હોસ્પિટલમાં નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમે મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરી હતી. હોસ્પિટલની મુલાકાત દરમિયાન તેમણે મોટાભાગના વિભાગો રૂબરૂ મુલાકાત સાથે તબીબો સહિતના સાથે સ્થિતિનો તાગ મેળવી જરૂરી નિર્દેશો આપ્યા હતા. મુલાકાત બાદ વિક્રમભાઈએ પત્રકારોને સંબોધન કરતાં જણાવ્યું કે અત્યારે કોરોનાની સંભવિત લહેર સામે લડવા માટે તાલુકા કક્ષાએ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
હોસ્પિટલમાં પૂરતા બેડ ઉપરાંત વેન્ટીલેટર તેમજ દવાની વ્યવસ્થા કરી લેવામાં આવી છે. બીજી બાજુ આજે હોસ્પિટલના તમામ વિભાગના તબીબો સાથે બેઠક કરાઈ છે જેમાં દવા, ઑક્સિજનનો જથ્થો, વેન્ટીલેટર કેટલી સંખ્યામાં ઉપલબ્ધ છે તેની જાણકારી મેળવવામાં આવી હતી.
બીજી બાજુ તેમણે એવું મહત્ત્વનું નિવેદન પણ આપ્યું કે કોરોનાની આવનારી લહેર વિશે હજુ તબીબી મનોમંથન ચાલી રહ્યું હોવાથી તે લહેરનું વર્તન કેવું હશે તેનો કોઈ ખુલાસો થઈ શક્યો નથી એટલા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઈડલાઈનની રાહ જોવાઈ રહી છે જે આવી ગયા બાદ તે પ્રમાણેની તૈયારી કરવામાં આવશે. એકંદરે અત્યારે સ્થિતિ કાબૂમાં હોવાથી લોકોએ ગભરાવાની જરૂર નથી પરંતુ સાવધાની રાખવી અત્યંત જરૂરી બની જાય છે.