Ahmedabad
સ્કોન બ્રિજ હીટ એન્ડ રન : જાહેર માર્ગો તમારા બાપનો બગીચો નથી કે મનફાવે તેમ નિર્દોષ લોકોને કચડી નાખો
સલીમ બરફવાળા
ખોખલી સિસ્ટમ અને કચડાતી જિંદગીઓ વચ્ચે નિર્દોષ લોકોના સમયાંતરે લોહી રેડાય છે, આરોપીઓ બિન્દાસ્ત છૂટી પણ જાય છે – કોઈ માતા પોતાના બાળકને એટલા માટે જન્મ નથી આપતી કે તમે એ બાળકને ૧૬૦ની સ્પીડે કાર હંકારીને કચડી નાખો
અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ ઉપર રાત્રે જેગુઆર કારના ચાલક તથ્ય પટેલે ૧૬૦ની સ્પીડે કાર હંકારીને ૧૦ લોકોની જિંદગી છીનવી લીધી છે અને જેને લઈ ચોમેર આક્રોશ જેાવા મળી રહ્યો છે. તથ્ય પટેલ જેવા નબીરાઓ જાહેર માર્ગો જાણે કે પોતાના બાપનો બગીચો હોય તેમ નિર્દોષ લોકોને કચડી રહ્યા છે અને જાણે કે કાયદાનો કોઇ ડર ન હોય તેમ બિન્દાસ્ત જોવા મળી રહ્યા છે. ખોખલી સિસ્ટમના કારણે અનેક જિંદગીઓ સમયાંતરે માર્ગો ઉપર કચડાય છે અને લોહી રેડાય છે. રાજ્ય સરકાર વળતર આપી દે છે અને કેસની તપાસ થાય છે અને તેનો નિવેડો આવતાં આવતાં વર્ષો નીકળી જાય છે. કાયદાની છટકબારીઓના કારણે આરોપીઓને કોઈ ડર રહેતો નથી એક નહી પણ ૧૦-૧૦ લોકોની જિંદગી છીનવાઈ ગઈ છે અને જેમાં પાંચ જેટલા યુવકો છે અને તેમણે ભણી ગણીને પોતાના પરિવારના સપના પૂરા કરવા હતા પણ તથ્ય જેવા નબીરાએ આ યુવકોની જિંદગી છીનવી લીધી છે. તથ્ય પટેલ નામના નબીરાએ ૧૬૦ની સ્પીડે કાર હંકારીને ૧૦ લોકોને ૩૦ ફૂટ ઊંચે ફંગોળ્યા હતા અને તેના સીસીટીવી રૂવાડાં ખડા કરી દે તેવા છે. અમદાવાદ જ નહીં રાજ્યના મોટા સિટીઓમાં આવા નબીરાઓ જાહેર માર્ગો જાણે કે પોતાના બાપનો બગીચો હોય તેમ સમયાંતરે રેસિંગ કરે છે અને નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકે છે. તથ્ય પટેલ જેવા નબીરાઓ પૈસાના જોરે કૂદા કૂદ કરે છે. અને જાણે કે સિસ્ટમને પોતાના ખિસ્સામાં ભરી દીધી હોય તેમ નિર્દોષ લોકોના લોહી તરરસ્યા બની જાય છે. આવા નબીરાઓને તેમના કરતૂતોની એવી સજા મળવી જોઇએ કે સાત જન્મમાં પણ ભૂલે નહી. શું વાંક હતો કે શું ગુનો હતો એ નિર્દોષ લોકોનો કે તેમની જિંદગી આંખના પલકારામાં છીનવી લેવામાં આવી. બોટાદમાં જુવાનજોધ દીકરાઓનો મૃતદેહ જોઇને પરિવારો ઉપર શું ગુજરતી હશે તેની કલ્પના તથ્ય પટેલ જેવા નબીરાઓને ન હોય તે સ્વાભાવિક છે. એ પરિવારો રાહ જેાઈ રહ્યા હતા કે પોતાના પૂત્રો હવે નોકરીએ લાગશે અને ઘરમાં સુખનો સૂરજ ઊગશે પણ તથ્ય પટેલે આ પરિવારોની જિંદગી દોઝખ કરી નાખી છે અને એવા ઘા આપ્યા છે પરિવારો જિંદગીભર ભૂલશે નહીં.
આવા નબીરાઓને તેમના કરતૂતોની એવી સજા મળવી જોઈએ કે ભવિષ્યમાં બીજા તથ્ય આવી ગુસ્તાખી કરતાં સો વાર વિચાર કરે. જે લોકો મરી ગયા એ ગયા, જે લોકોની જિંદગી છીનવાઈ ગઈ એ ગઇ પણ પૈસાના જોરે કૂદા કૂદ કરતા બદમાશોની શાન ઠેકાણે આવવી જોઇએ. કોઈ માતા પોતાના બાળકને કચડાવવા માટે જન્મ આપતી નથી, તમે મનફાવે તેમ કાર હંકારો અને નિર્દોષ યુવકોને કચડી નાખો એટલા માટે કોઈ માતા બાળકને જન્મ આપતી નથી. એ માતાના અનેક અરમાન હોય છે કે પોતાનો પૂત્ર ભણી ગણીને નોકરીએ સેટ થશે અને પરણી ને ઘર સંસાર વસાવશે અને ખુશીઓના દિવસો આવશે. ખોખલી સિસ્ટમ અને કાયદાની છટકબારીના કારણે તથ્ય પટેલ જેવા નબીરાઓને કોઈ ડર નથી. તેઓ સારી રીતે જાણે છે કે, કાયદાની આંટીઘૂંટી એવી હોય છે કે, લાંબા સમયે છટકી જવાશે. મોરબી બ્રિજ દૂર્ઘટના જ જોઈ લો, તેમાં કોણે આકરી સજા થઈ અને કોણે ફાંસીના માંચડે લટકાવવામાં આવ્યો એક તો દાખલો બતાવો. પૈસાનો ટૂકડો નાખી દઈને મૃતકોના પરિવારોને ખરીદી લેવામાં આવે છે અને જેના કારણે નબીરાઓ બેફામ બની જાય છે. હીટ એન્ડ રનમાં કોઈ પણ નબીરાને આજ સુધી જન્મટીપ કે ફાંસીની સજા થઈ હોય તેવો એક દાખલો ઇતિહાસના પાના ઉપર જોવા મળતો નથી. ઇસ્કોન બ્રિજ હીટ એન્ડ રનમાં ૧૦ પરિવારોના ઘરે માતમ છવાયો છે, તેમના ઘરે ચૂલા સળગ્યા નથી. બસ, હવે બહું થયું, આની આજ ખોખલી સિસ્ટમ રહી તો આજે તથ્યએ કારસ્તાન કર્યું છે તો કાલે બીજા કોઈ તથ્ય કારસ્તાન કરશે અને એ પણ કાયદાની છટકબારીનો લાભ લઇ આબાદ છટકી જશે. જે પરિવારોએ સ્વજન ગુમાવ્યા છે, પૂત્ર ગુમાવ્યો છે એ પરિવારો પણ સમયાંતરે ભૂલાઈ જશે અને બધું કાળની ગર્તામાં દફન થઈ જશે. હવે સમય પાકી ગયો છે કે, ખોખલી સિસ્ટમને કૂલપ્રૂફ બનાવવામાં આવે અને આવા આરોપીઓને એક ઝાટકે સજાનું એલાન કરવામાં આવે. જ્યાં સુધી માથાના વાળ ઊંચા થઈ જાય તેવી સજાનું એલાન કરવામાં નહી આવે ત્યાં સુધી ખોખલી સિસ્ટમના કારણે અનેક નિર્દોષ જિંદગીઓ કચડાયી રહેવાની અને નિર્દોષ લોકોના લોહી રેડાતા જ રહેવાના છે. આજે તથ્ય છે અને આગળ જતાં કોઇ બીજા તથ્ય આવશે. ઇસ્કોનની ઘટનાથી બોધપાઠ લેવાનો સમય પાકી ગયો છે અને પૈસાના જેારે કૂદા કૂદ કરતા નબીરાઓને છઠ્ઠીનુ ધાવણ યાદ આવી જાય તેવી સજા કરવામાં આવે તે સમયની માંગ છે.