Gujarat
દાદાના ધામમાં છેલ્લી ફરજ બજાવી
રઘુવીર મકવાણા
કિંગ ઓફ સાળંગપુરના લોકાર્પણમાં બંદોબસ્ત પૂર્ણ કરી રાત્રે સૂતેલા PSIનું સર્કિટ હાઉસમાં હાર્ટ એટેકથી મોત
સાળંગપુર ખાતે કિંગ ઓફ સાળંગપુરના લોકાર્પણ દરમિયાન બંદોબસ્ત પૂર્ણ કરી સર્કિટ હાઉસમાં રોકાયેલા PSIનું રાત્રે હાર્ટ એટેકના કારણે મોત નિપજતા પોલીસ બેડામાં દુખની લાગણી વ્યાપી ગઇ છે. 17 માર્ચથી સર્કિટ હાઉસમાં રહેતા
અરવલ્લી જિલ્લાના ભીલોડા તાલુકાના ધરાસણ ગામના વતની એવા PSI પ્રવીણભાઈ આસોડાની તાજેતરમાં બોટાદ જિલ્લામાં આશરે 4 મહિના પહેલા બદલી થઇ હતી. અને બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં તેઓ ફરજ બજાવતા હતા. ગત 17 માર્ચથી તેઓ બોટાદ સર્કિટ હાઉસ ખાતે જ રહેતા હતા. સાળંગપુર કષ્ટભંજનદેવ મંદિર ખાતે ‘કિંગ ઓફ સાળંગપુર’ની વિશાળ પ્રતિમાનું લોકાર્પણ હોવાથી તેઓ અહીં ફરજ પર હાજર હતા. તેમજ 6 એપ્રિલના રોજ ફરજ પૂર્ણ કરી બોટાદ સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા.
બીજે દિવસે સવારે પોલીસ કંટ્રોલ રૂમ પરથી PSI પ્રવિણ આસોડાને કામકાજ અર્થે મોબાઈલ પર ફોન કરતા ફોન ઉપાડ્યો ન હતો. જેથી સર્કિટ હાઉસ ખાતે ફરજ બજાવતા અજય સાકળિયાને કંટ્રોલ રૂમમાંથી જાણ કરાઇ હતી કે PSI ફોન ઉપાડતા નથી તો તેમને વાત કરવાનું કહો. આ અંગે અજયભાઇ PSI પ્રવિણભાઇના રૂમ પર ગયા હતા અને વારંવાર ડોર બેલ વગાડવા તેમજ રૂમનો દરવાજો ખખડાવતા છતાં તેમણે દરવાજો ખોલ્યો ન હતો. જેથી બીજી ચાવીથી રુમ ખોલતા રૂમમાં બેડ પરથી નીચે પડેલ PSI પ્રવિણભાઇનો મૃતદેહ જોવા મળ્યો હતો. આ અંગે અન્ય પોલીસ અધિકારીઓને જાણ કરતા તાત્કાલિક ધોરણે બોટાદ જિલ્લા ઈન્ચાર્જ એસ.પી. સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને PSIના મૃતદેહને હોસ્પિટલ ખાતે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બનાવને પગલે પોલિસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું છે.