Sihor
સિહોર શહેરમાં તાજીયા ઝુલુસ નિમિતે મુખ્ય બજારમાં વિવિધ કમિટીઓ દ્વારા ન્યાઝનું વિતરણ કરાયું
પવાર
સિહોર શહેરમાં મુસ્લીમ બિરાદરો દ્વારા મહોરમ પર્વની ઉજવણી કરાઈ હતી. તાજીયાનું ઝુલુસ નિમિતે મુખ્ય બજાર આંબેડકર ચોક આસપાસ વિવિધ કમિટી દ્વારા ન્યાઝનું વિતરણ કરાયું હતું. જ્યારે મોડી સાંજે તાજીયા ટાઢા કરાયા હતા. શહેરનાં મુખ્યબજાર સહિતનાં વિસ્તારમાં કલાત્મક તાજીયા પડમાં આવ્યા હતા. દિવસ દરમ્યાન દર્શનનો લાભ લીધા બાદ બપોરે પરંપરાગત તાજીયા ઝુલુસ નિયત રૂટ પર નિકળ્યુ હતું. જેમાં મોટી સંખ્યામાં મુસ્લીમ બીરાદરો જોડાયા હતા. કરબલાનાં મેદાનમાં સચ્ચાઈને ખાતર ભૂખ્યાને તરસ્યા શહીદ થઈ જનાર શહીદોની યાદમા સિહોર શિયા ખોજા દ્વારા ગઈકાલે રાત્રે તાજિયા પડમાં લાવીને યા હુસેનના નારા સાથે માતમી જુલુસ કાઢવામાં આવ્યુ હતું.
આશરે ૧૪૦૦ વર્ષ પૂર્વે કરબલાના મેદાનમાં પયગંબર સાહેબના દોહિત્ર હઝરત ઈમામહુસેન અને તેમના ૭૨ સાથીઓએ વહોરેલી શહાદતની યાદમાં આજ રોજ સિહોર શહેર સહિત જિલ્લાભરના મુસ્લીમ બિરાદરો દ્વારા મહોરમ પર્વની ઉજવણી કરાઈ હતી. મુસ્લીમ બિરાદરો દ્વારા દર વર્ષની જેમ પરંપરાગત રીતે તાજીયા ઝુલુસ કાઢવામાં આવ્યા હતા. જેમાં મુસ્લીમ બિરાદરોએ ભાગ લઈ ઈમામ હુસેનની શહાદતને યાદ કરી હતી અને માતમ મનાવ્યો હતો. તાજીયા ઝુલુસ દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ કોઈ અનીચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો.