Sihor
મીની વેકેશન : સાંજથી જ ચાર દિ’બજારો બંધ : પ્રવાસન સ્થળોએ મહેરામણ ઉમટશે
પવાર
- જન્માષ્ટમીના તહેવારોની ઉજવણીનો ઉત્સાહ, માર્કેટો-કારખાનાથી માંડીને ઓફિસો સહિતના વ્યાપાર ધંધા હવે સોમવારથી જ નોર્મલ થશે, ગૌતમેશ્વર, બ્રહ્નકુંડ, સહિતના આસપાસના ધાર્મિક-પ્રવાસન સ્થળો ઉભરાશે, ફરવા લાયક સ્થળોએ યાત્રાળુઓનો ધસારો રહેશે
- સિહોર શહેર અને જિલ્લામાં કૃષ્ણ જન્મોત્સવ પર્વની તડામાર તૈયારીઓ શરૂ, વિવિધ મંદિરો ખાતે ધાર્મિક કાર્યક્રમો યોજાશે, જન્માષ્ટમીને લઇને ભક્તોમાં અનેરો ઉત્સાહ, ઠેરઠેર મટકી ફોડો કાર્યક્રમ યોજાશે
સિહોર શહેર અને જિલ્લામાં ગુરુવારના રોજ જન્માષ્ટમી પર્વની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે વિવિધ મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ગઈકાલથી જ જન્માષ્ટમીના તહેવારની શરૂઆત થઈ ચૂકી છે. આજથી તમામ જગ્યા રજાનો માહોલ છવાઈ ગયો છે. સરકારી ઓફીસો, પ્રાઈવેટ ઓફીસ, સ્કૂલ કોલેજમાં રજા પડી ગયેલ છે. બજારોમાં કાલથી રજાનો માહોલ છવાય જશે અને લોકો હરવા ફરવા નિકળી જશે. રજા શરૂ થતા જ લોકો વેકેશન માટે બહાર ફરવા નિકળી જાય છે. આથી અનેક ઓફીસોમાં કર્મચારીઓની પાંખી હાજરી જોવા મળી રહી છે.આ ઉપરાંત સાતમ આઠમની 3-4 દિવસની રજા હોવાથી લોકો ટુર પ્લાન કરી વિવિધ સ્થળોએ ફરવા જાય છે.
પરિવાર સાથે બે ત્રણ દિવસ વિવિધ દેવાલયો અને પ્રાકૃતિક સ્થળોની મુલાકાત લે છે આથી અનેક સ્થળોએ ભારે ભીડ જોવા મળી રહી છે. આજે સાતમના દિવસથી જ લોકોમાં રજાનો મુડ છવાઈ ગયો છે. આવતીકાલે આઠમના દિવસે લોકો ધામધુમથી કૃષ્ણ જન્મોત્સવ ઉજવશે. અને શ્રીકૃષ્ણના વધામણા કરશે. મંદિરોમાં શેરી ગલીઓમાં મટકી ફોડી નંદોત્સવ મનાવવામાં આવશે અને લોકો કૃષ્ણમય બનશે. રાસની રમઝટ બોલાવશે. શ્રી કૃષ્ણને માખણ મીસરીનો ભોગ ધરાવવામાં આવશે. સિહોર સહિત પંથકમાં અનેક સ્થળોએ શ્રીકૃષ્ણ જન્મોત્સવનો ફલોટસ બનાવવામાં આવ્યો છે. જેને આવતીકાલે કૃષ્ણ જન્મોત્સવ સમયે ખુલ્લો મુકવામાં આવશે. અને મટકીફોડના કાર્યક્રમો યોજાશે ચારો તરફ હર્ષોલ્લાસનો માહોલ છવાઈ જશે. સમગ્ર દેશભરમાં કૃષ્ણ જન્મોત્સવની આવતીકાલે 12 વાગ્યે ઉજવણી કરવામાં આવશે. ભકતો દેવાલયોમાં ઉમટી પડશે.