Sihor
સિહોરમાં સફાઇના નામે મીંડુ : ઠેર ઠેર કચરાના ઢગલા : તંત્રની ઉદાસિનતા
પવાર
સ્વચ્છતા અભિયાન જોરશોરથી ચાલી રહ્યુ છે. ત્યારે સિહોરમાં જયાં ત્યાં કચરાના ઢગલા જોવા મળતા નગરપાલિકા તંત્ર દ્વારા સ્વચ્છતા નહિ થતી હોવાની છાપ ઉભી થઇ છે. તંત્રની ઉદાસીનતા સામે લોકોમાં રોષ જોવા મળે છે. સિહોરમાં રાત-દિવસ સતત હજારો વાહનોની અવર-જવર રહ્યા કરે છે. આ રોડ પરથી અનેક નાના-મોટા શહેરોમાં જવાનો રાજય ધોરી માર્ગ પસાર થાય છે. એટલે હાઇ-વેની સાઇડ સાફ-સુથરી હોય તે જરૂરી છે. પરંતુ સિહોરમાં તો હાઇ-વે પર અનેક જગ્યાએ પ્લાસ્ટિકના કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. નગરપાલિકા દાવા સફાઇના દાવા તો કરે છે.
પરંતુ નકકર વાસ્તવિકતા તો કંઇક અલગ જ છે.નગરજનો અને આ રોડ પરથી પસાર થતાં વાહનચાલકોમાં એવું પણ ચર્ચાઇ રહ્યું છે કે જો હાઇ-વે પર આટલો કચરો હોય, તો શહેરના અંદરના ભાગમાં કેવી ગંદકી અને કચરો હશે ? પરંતુ દાવા અને નકકર વાસ્તવિકતા વચ્ચે સિહોરમાં આભ અને જમીન જેટલું અંતર હોય એવું નગરજનોમાં ચર્ચાઇ રહ્યું છે.સિહોરમાંથી પસાર થતાં વાહનચાલકો સિહોરની સ્વચ્છતા બાબતે શું વિચારતા હશે એ પણ તંત્ર નહીં વિચારતું હોય ! સિહોર નગરપાલિકા સિહોરની સ્વચ્છતા બાબતે કોઇ ઠોસ કદમ ઊઠાવે તે અત્યંત જરૂરી છે.