Mahuva
મહુવા ભાજપમાં ભડકો : આર.સી.મકવાણાની જગ્યાએ શિવા ગોહિલને ટિકિટ અપાતાં 300થી વધુના રાજીનામા
જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સહિતના સભ્યો ઉપરાંત મોટી સંખ્યામાં કાર્યકરોમાં ભભૂકી રહેલો રોષ : શિવાભાઈ ગોહિલે ટિકિટની માંગ કરી નહોતી છતાં તેમને ટિકિટ અપાતાં કાર્યકરો આગબબૂલા : કોંગ્રેસમાંથી કનુ કલસરીયા જેવા દિગ્ગજ મેદાને હોવા છતાં પક્ષે કદ્દાવર નેતાની અવગણના કરી હોવાનો આક્ષેપ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા આજે 182માંથી 160 જેટલા ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે. દરમિયાન જે ઉમેદવારોને ટિકિટ મળી ગઈ છે તેમના સમર્થકોમાં આનંદ સમાઈ રહ્યો નથી જ્યારે શરૂઆતથી લઈ આજ સુધી ટિકિટ મેળવવા માટે જેમનું નામ મોખરે રહ્યું હોવા છતાં ટિકિટ નહીં મળતાં તે નેતાના સમર્થકોમાં રોષ ભભૂકી ઉઠવા પામ્યો છે. આવો જ મોટો ભડકો મહુવા ભાજપમાં થવા પામ્યો છે અને એક સાથે 300 જેટલા કાર્યકરોએ રાજીનામું આપી દેતાં અહીં ભાજપને ભીંસ પડે તેવી શક્યતા અત્યારથી જ વ્યક્ત કરવામાં આવી રહી છે.
જિલ્લાની મહુવા બેઠક માટે ભાજપ દ્વારા વર્તમાન ધારાસભ્ય અને રાજ્યના મંત્રી આર.સી.મકવાણાને કાપીને ભાજપે તળાજાના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ગોહિલને ટિકિટ આપતાં ભાજપના કાર્યકરોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આ સાથે જ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સભ્યો ઉપરાંત 300 જેટલા કાર્યકરોએ એકસાથે રાજીનામું આપી દેતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.વધુમાં આ અંગે જાણવા મળતી વિગતો મુજબ મહુવા ભાજપ તાલુકા સંગઠન, શહેર સંગઠન, મહુવા ભાજપના તમામ ચૂંટાયેલા નગરપાલિકા અને તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયત એમ તમામ મોરચાના સભ્યોએ રાજીનામા આપી દીધા છે.
મહુવા બેઠક પર ગત ટર્મના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી રાઘવભાઈ મકવાણાને ટિકિટ નહીં મળતાં અને તેમના સ્થાને તળાજાના માજી ધારાસભ્ય શિવાભાઈ ગોહિલને ટિકિટ અપાતાં દેકારો બોલી ગયો છે. કાર્યકરોનું કહેવું છે કે શિવાભાઈ ગોહિલે ટિકિટની માંગણી કરી ન હોવા છતાં તેમને ટિકિટ આપવામાં આવી છે.