Sihor

પત્રકારત્વ અને ફોટોગ્રાફી જગતના દિગ્ગજ એવા મધુરીબેન કોટકનું 92 વર્ષની વયે નિધન

Published

on

કુવાડિયા

  • મધુરીબેન કોટક મૂળ ભાવનગરના, મધુરીબેન કોટક 60 અને 70ના દાયકામાં ખૂબ જાણીતા મહિલા ફોટોગ્રાફર હતા, મધુરીબેન કોટકે ‘ચિત્રલેખા’ સિવાય ‘બીજ’ અને ‘જી’ ફિલ્મ મેગેઝિન માટે પણ ઘણો અમૂલ્ય ફાળો આપ્યો

પત્રકારત્વ અને ફોટોગ્રાફી જગતના દિગ્ગજ એવા મધુરીબેન કોટકનું ગુરુવારે 92 વર્ષની વયે મુંબઈમાં નિધન થયુ છે. તેઓ 60 અને 70ના દાયકામાં ખૂબ જાણીતા મહિલા ફોટોગ્રાફર હતા. દેશના પ્રથમ મહિલા ફોટોગ્રાફર હોમાઇ વ્યારાવાલા પછી મહિલા ફોટોગ્રાફરમાં સૌથી વધુ જાણીતુ નામ મધુરીબેન કોટકનું છે. મધુરીબેન કોટક ‘ચિત્રલેખા’નાં સંસ્થાપક સ્વર્ગસ્થ વજુ કોટકના ધર્મપત્ની અને ‘ચિત્રલેખા સાપ્તાહિક’ના સહસંસ્થાપક હતા.મધુરીબેન કોટકે  કારકીર્દિની શરુઆત ફોટોગ્રાફીથી કરી હતી. તેમણે ‘ચિત્રલેખા’નાં સંસ્થાપક સ્વર્ગસ્થ વજુ કોટક પાસેથી જ પત્રકારત્વ અને ફોટોગ્રાફીના પાઠ શીખ્યા હતા. તેમણે ‘ચિત્રલેખા’ સિવાય ‘બીજ’ અને ‘જી’ ફિલ્મ મેગેઝિન માટે પણ ઘણો અમૂલ્ય ફાળો આપ્યો છે. પતિની હયાતીમાં આ સામયિકોનાં સંપાદન અને પ્રકાશનકાર્યમાં મર્યાદિત ફાળો આપતાં મધુરીબેન કોટકે,  વજુ કોટકના અવસાન પછી તે અંગેની સમગ્ર જવાબદારી સંભાળી લીધી હતી. આ ત્રણેય મેગેઝીનમાં મધુરીબેન કોટકના ફોટોગ્રાફ્સ છપાતા હતા.

Journalism and photography legend Madhuriben Kotak passes away at the age of 92

મધુરીબહેનના પત્રકારત્વક્ષેત્રના આ સાહસમાં શરૂઆતમાં જે કેટલાક લેખક મિત્રોનો સાથ સહકાર મળ્યો હતો જેમાં કવિ, લેખક અને સિનેપત્રકાર વિજયગુપ્ત મૌર્ય, જિતુભાઈ મહેતા, કવિ વેણીભાઈ પુરોહિત, હરીશ બૂચ તથા નવલકથાકાર સ્વ. હરકિસન મહેતા વિશેષ ગણી શકાય છે. મધુરીબેન કોટકના પિતા જીવરાજભાઈ રૂપારેલ મૂળ ભાવનગરના હતા. મધુરીબેનના માતાનું નામ દિવાળીબેન હતુ. મધુરીબેન કોટક જીવરાજ રૂપારેલ અને દિવાળીબેનના નવ સંતાનોમાંથી ચોથા સંતાન હતા. 1949માં વજુ કોટક સાથે તેમના લગ્ન થયા હતા. 1959માં વજુભાઇ કોટકનું નિધન થયું હતું. એટલે કે વજુભાઇ કોટક અને મધુરીબેન કોટકનું દાંપત્ય જીવન માત્ર દસ વર્ષનું જ રહ્યું હતુ. વજુભાઇ કોટકના અવસાન પછી ‘ચિત્રલેખા’, ‘બીજ’ અને ‘જી’ આ ત્રણેય મેગેઝીનની જવાબદારી મધુરીબેન કોટકે સંભાળી લીધી હતી. તેમને વધુ લોકપ્રિય બનાવવા ખૂબ જ જહેમત ઉઠાવી હતી. 2001માં ‘વજુ કોટક, વ્યક્તિ-પત્રકાર-લેખક’ અને ‘વજુ કોટકનો વૈભવ’ પુસ્તકોનું સંપાદન કર્યું. ‘જી’ના રજતજયંતી અંક માટે 1983માં ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલય તરફથી ગુજરાતી પ્રકાશક તરીકેનો પ્રથમ રાજપુરસ્કાર ‘જી’ને અને એ જ અંક માટે ‘ચિત્રલેખા’ને મુદ્રકની શ્રેણીમાં પ્રથમ રાજપુરસ્કાર મળ્યો હતો. ‘ચિત્રલેખા’ અઠવાડિકની 2,50,000 નકલો વેચાય છે. ‘રામાયણ’ અને ‘મહાભારત’ સીરિયલના વિષય પર આધારિત ફિલ્મ માસિક ‘જી’ વિશેષાંકની 1,40,000 નકલો અને મરાઠી સંસ્કરણની 1,05,000 નકલો વેચાઈ હતી, જે આ ક્ષેત્રમાં એક વિક્રમ ગણાય છે.

Trending

Exit mobile version