Gujarat
કોંગ્રેસના હવે જીલ્લાકક્ષાએ ‘જય ભારત સત્યાગ્રહ’
બરફવાળા
મોંઘવારી, બેકારી, મહિલા અત્યાચાર જેવા સ્થાનિક પ્રશ્નો ઉપરાંત રાહુલ ગાંધીને ટારગેટ કરવાની નીતિ ઉજાગર કરાશે
વિધાનસભા ચૂંટણીમાં ઈતિહાસની સૌથી કારમી હાર સહન કરનાર કોંગ્રેસ ફરી બેઠી થવા માટે મથી રહી હોય તેમ હવે તાલુકા બાદ જીલ્લાકક્ષાના જય ભારત સત્યાગ્રહ શરૂ કરવામાં આવ્યા છે. રાહુલ ગાંધીને નિશાન બનાવવાના સરકારી પગલા તથા મોંઘવારી સહિતના અનેકવિધ પ્રશ્નોએ લોકોની વચ્ચે પહોંચવાનો ઉદેશ છે. પ્રદેશ કોંગ્રેસના સૂત્રોએ કહ્યું કે છેલ્લા દિવસોમાં સત્યાગ્રહ સંમેલનો બાદ કેન્દ્ર સરકારને આપખૂદી તથા વિવિધ નિષ્ફળતાઓ ઉજાગર કરવા જય ભારત સંમેલન શરૂ કરાયા છે.
175 તાલુકાઓમાં આવા પ્રકારના સંમેલન યોજાઈ ચુકયા છે. અન્યત્ર ચાલુ છે. સાથોસાથ હવે જીલ્લા કક્ષાના સંમેલન શરૂ કરાયા છે. તમામ 33 જીલ્લામાં સંમેલન થશે અને છેલ્લે પ્રદેશકક્ષાનું વિરાટ સંમેલન યોજવામાં આવશે. અદાણી સહિતના મુદે અવાજ ઉઠાવનારા પાર્ટી નેતા રાહુલ ગાંધીને ટારગેટ કરીને સંસદ સભ્યપદેથી ગેરલાયક ઠરાવવામાં આવ્યા છે.આ સિવાય મોંઘવારી, બેરોજગારી, મહિલા અત્યાચાર ખેડૂતોના પ્રશ્નો વગેરે મુદ્દાઓને આગળ ધરીને જય ભારત સત્યાગ્રહ શરૂ કરાયા છે. ગાંધીનગર તથા અરવલ્લીમાં આ સત્યાગ્રહ સંમેલન યોજાયા હતા અને હવે તબકકાવાર રાજયના તમામ જીલ્લામાં યોજાશે. કોંગ્રેસના સૂત્રોએ કહ્યું કે લોકો-મતદારો સુધી મોદી સરકારની વિપક્ષને ટારગેટ કરતી નીતિ તથા પ્રજાકીય પ્રશ્નોને ઉજાગર કરવા કોંગ્રેસ સમગ્ર ગુજરાતમાં કાર્યક્રમો કરશે.