Sihor
આવું થોડું ચાલે : સિહોરની પાલિકાએ કરોડોનું બિલ ભર્યું નથી ; PGVCLએ કનેક્શન જ કાપી નાખ્યું
કુવાડિયા
- સિહોરની પાલિકા બની કંગાળ, બિલ ન ભરતા વીજ જોડાણ કાપી નાંખ્યું, નગરપાલિકાએ 11 કરોડનું બિલના ભરતા પાણી સપ્લાયના મુખ્ય કનેકશનો કાપી નાખ્યા
રાજ્યની વધુ એક નગરપાલિકાએ દેવાળુ ફૂંક્યુ છે. સિહોર નગરપાલિકા પણ ફડચામાં જતા વીજ બિલ ભરી ન શકી. લાઈટ બિલ ન ભરી શક્તા PGVCLએ નગરપાલિકાના પાણી પુરવઠાના મુખ્ય કનેક્શનો કાપી નાખ્યા છે. આ તો પાડાના વાંકે પખાલીને ડામ જેવી સ્થિતિ સર્જાઈ છે. નાગરિકો સમયસર ટેક્સ ભરે છે, બિલ ભરે છે, ત્યારે નગરપાલિકા કેવી રીતે દેવાળું ફૂંકી શકે. એક તરફ શહેર પાણી વગર પરેશાન બન્યુ છે. અને બીજી બાજુ કરોડોનું બાકી બીલ ન ભરતા PGVCL આકરા પાણીએ આવ્યું છે.
વારંવાર નોટિસ આપી છતાં નગરપાલિકાએ બિલ ન ભર્યું. ત્યારે પાલિકાના સત્તાધિશોનો ગેરવહીવટ ચરિતાર્થ થયો છે. પાલિકાએ નક્કી કરેલો ટેક્સ ભરીને પણ પ્રજા પીડાઈ રહી છે. અહીં દીવા તળે અંધારુ જેવો ઘાટ સર્જાયો છે. વીજ વિભાગે નગરપાલિકા વોટર વર્કસની મુખ્ય લાઈનોનું વીજ જોડાણ કાપી નાંખ્યુ છે. નગરપાલિકાનું કરોડો રૂપિયા બિલ બાકી હોઈ પી.જી.વી.સી.એલ. દ્વારા વીજળી વિતરણ બંધ કરાયુ છે. નગર પાલિકાના વોટર વર્ક્સનું વીજ કનેક્શન કટ થઈ જતાં પાણી વિતરણ ખોરવાયું છે.
અને પાલિકાના સત્તાધીશોએ તરસ્યે માર્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતની અનેક નગરપાલિકાઓ ફડચામાં ગઈ છે. વીજ વિભાગે આકરા તેવર બતાવ્યા નથી. લોકો સમયસર વેરા ભરવા છતાં, નગરપાલિકા પાસે વીજ બિલ ભરવાના રૂપિયા નથી. નગરપાલિકાનો વહીવટ અંધેર નગરી જેવો બન્યો છે. રાજ્યની મોટાભાગની નગરપાલિકા કંગાળ બની છે અને જેમાં સ્ટ્રીટ લાઈટ તેમજ વોટર વર્કસ વિભાગની બાકી રહેતી કરોડોની રકમના વીજબીલ માંગવામાં આવતા કોઈ પ્રતિઉત્તર ન મળતા આખરે મજબૂર બની વીજ જોડાણ રદ કરવાની સ્થિતિ સર્જાઇ રહી છે. એક બાદ એક નગરપલિકાના બાકી વીજ બિલના કારણે વીજજોડાણ રદ કરવાના સમાચાર સામે આવી રહ્યા છે.