Sihor

કેસરીયા પ્રવાહમાં મોંઘવારી, બેરોજગારી , પુલ દુર્ઘટનાના મુદ્દા તણાયા

Published

on

દેવરાજ

  • ભાજપના સપના સાકાર, ફરી ડબલ એન્જિન સરકાર : નરેન્દ્રભાઇ તરફ પ્રચંડ લોકલાગણીઃ લોકોએ કમળ જોઇએ મત વરસાવ્યાઃ સતત સાતમી વખત જીતનો ઇતિહાસ

આજે વિધાનસભાની ચૂંટણીનું પરીણામ જાહેર થતા ૧૫૦ આસપાસ બેઠકોમાં સફળતા સાથે ભાજપનો જયજયકાર થઇ ગયો છે. સાતમી વખત ભાજપ સરકાર રચવાના પંથે છે. બે-ત્રણ દિવસમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ શપથ લેશે. આ ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે. ભાજપ વિરોધી મુદ્દા જનસમર્થનના પ્રવાહમાં તણાઇ ગયા છે. ફરી ગુજરાતને ડબલ એન્જીન સરકાર મળશે. રાજયમાં વધુ એક વખત મોદી મેજીક સાબીત થયો છે.
ભાજપ સામે આ વખતે મોંઘવારી સૌથી મોટો મુદ્દો હતો. ઘર-ઘરને લાગુ પડતી આ બાબતને મતદારોએ અવગણીને નરેન્દ્રભાઇ મોદી પર પ્રેમ વરસાવ્યો છે. હિન્દુત્વના મુદ્દા પર પણ ભાજપનું પલડુ ભારે રહયું છે. મતદારોએ ઉમેદવારો કરતા કમળને વધુ મહત્વ આપ્યું છે.

૫૦ હજારથી વધુ લીડથી જીત્યા હોય તેવા ભાજપના ઉમેદવારોની સંખ્યા મોટી છે. વિપક્ષોએ મોંઘવારી ઉપરાંત બેરોજગારી અને સ્પર્ધાત્મક પરીક્ષાના પેપરો ફુટવાનો મુદ્દો ચગાવ્યો હતો. આ મુદ્દે યુવાનોને આકર્ષી શકાશે તેવો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને વિશ્વાસ હતો. જો કે જનાધાર જોતા આ મુદ્દો પણ ટકયો નથી. બોટાદનો લઠ્ઠાકાંડ અને સરકારી તંત્રનો ભ્રષ્ટાચાર પ્રચારમાં ઝળકયો હતો. મતદાન પુર્વે એક મહિને મોરબીમાં ઝુલતો પુલ તુટવાની દુર્ઘટના બનેલ. જેમાં ૧૩૫ થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. વિરોધ પક્ષોએ અનેક સભાઓમાં આ મુદ્દો ઉછાળેલ પણ તેમાં મતની દ્રષ્ટિએ વિપક્ષોને અપેક્ષા મુજબ ફાયદો થયો નથી. ઉપરાંત ખેડુતો, મહિલાઓ વગેરેના મુદ્દે પણ વિપક્ષ સફળ થયા નથી.

ભાજપે મુખ્યત્વે વિકાસ અને નરેન્દ્રભાઇ મોદીની કામગીરી આગળ કરી મત માંગ્યા હતા. નરેન્દ્રભાઇ અને અમીતભાઇ શાહે ગુજરાતના લગભગ તમામ જીલ્લાઓનો પ્રવાસ કરી ચુંટણીનો માહોલ જમાવેલ. વિકાસ ઉપરાંત ૩૭૦ ની કલમ, રામમદિર, વગેરે મુદ્દે મતદારોને આકર્ષવામાં ભાજપ સફળ રહયો છે. કેસરીયા પ્રવાહમાં વિપક્ષોના મુદદા તણાઇ જતા ગાંધીનગરમાં વધુ એક કલ્પના બહારની બહુમતી સાથે કમળ ખીલ્યું છે.

Trending

Exit mobile version