Gujarat
ગુજરાતમાં ફરી 3 સફાઈ કામદાર બન્યા ગટરનો ભોગ ; એક ગંભીર ઈજાગ્રસ્ત
કુવાડિયા
ભારત વિકાસની હરણફાળ ભરી રહ્યો હોવાનો બંડ પોકારવામાં આવે છે ત્યારે ગટર સાફ કરવા ઉતરેલા કામદોરોના મોતના સમાચાર તે જ વિકાસ પર શરમની શાહી ઢોળે છે. વિકાસની પોકળ વાતો વચ્ચે જ્યારે શ્રમિકોના મોતના સમાચાર સામે આવે ત્યારે સરકાર પર સવાલ તો ચોક્કસપણે ઉઠે જ. વાત છે ભરુચના દહેજ ગામની કે જ્યાં ગટર સાફ કરવા ઉતરેલા 3 કામદારના મોત થયા છે, અને એક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ભરુચના દહેજ ગ્રામ પંચાયતની હદમાં આવેલી અંડર ગ્રાઉન્ડ ગટર લાઈન સાફ કરવાની કામગીરી ચાલી રહી છે. જેમાં 4 સફાઈ કામદારો ગટરની સફાઈ માટે ગટરમાં ઉતર્યા હતા. અને તેમાંથી 3 કામદારોના કરૂણ મોત નીપજ્યા છે. જ્યારે એક કામદારને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. ત્યારે ક્ષમિકોના મોતથી હોબાળો મચ્યો છે. જાણવા મળ્યુ છે કે, શ્રમિકો ગટર સફાઈ માટે એકબીજાનો હાથ પકડીને ગટરમાં ઉતર્યા હતા. અને ગુંગળામણના કારણે તેઓના મોત નિપજ્યા.
આ ઘટનાની જાણ થતાં ફાયર ફાઈટર ટીમ અને ભરૂચના ડી.વાય.એસ.પી. સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ફાયર ફાટરની ટીમને પણ રેસ્ક્યુ માટે સ્થાનિકોની મદદ લેવી પડી હતી. ભારે જહેમત બાદ ચારેયને ગટરમાંથી બહાર તો કાઢી લેવાયા પરંતુ 3 ના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા. જ્યારે એકને સારવાર અર્થે અને 3 ના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરુચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં રાજકોટમાં ગટર સાફ કરતા સમયે ભુગર્ભ ગટરની અંદર ઝેરી ગેસની અસરથી સફાઈ કામદાર સહિત કોન્ટ્રાક્ટરનું પણ ગુંગળાઈ જવાના કારણે મોત થયું હતું. ત્યારે ફરી ભરુચમાં આ ઘટના બની છે. આવા એક નહી અનેકો કિસ્સા છે જેમાં સરકારની સુરક્ષા અને સાધન અને સંકલનના અભાવે ગરીબ શ્રમિકો ગટર સફાઈની લાચારીનો ભોગ બન્યા હોય. જ્યારે પણ આવી ઘટનાઓ ઘટે છે ત્યારે, ઘડીભરના મૌન, પરિવારને સાંત્વના અને સહાયનુ ફરફરિયું લહેરાવીને સરકાર છટકી જાય છે. પરંતુ આવા કિસ્સાઓમાં પોતાની બેપરવાહી કે જવાબદારીની ચૂંકનો સ્વીકાર ક્યારેય કરતી નથી. વિકાસ વાતો ને વાતોમાં આજે વિદેશ સુધી પહોંચી ગયો છે પણ ગામના છેવાડાં સુધી, કામદારોના હક સુધી પહોંચતા તેને કેટલી સદીઓ લાગશે તેનો જવાબ તો હવે સરકાર જ આપશે?