Bhavnagar
ભાવનગર જિલ્લામાં સતત બીજા દિવસે 42 ડિગ્રી નજીકનાં તાપમાનથી લોકો ત્રસ્ત ; આકુળ-વ્યાકુળ
પવાર
સૂર્યદેવનું અગન આક્રમણ, બપોરે અઢી કલાકે ફુંકાતી આગ ઝરતી લૂં, ભાવનગર જિલ્લામાં ચાલુ સિઝનની સૌથી ગરમી નોંધાઇ
હિટવેવની અસર હેઠળ આજે સતત બીજા દિવસે પણ ભાવનગર જિલ્લામાં આકાશમાંથી આગ વરસી હતી.સાથોસાથ અંગ દઝાડતી આકરી લુ એ પણ નગરજનોને દઝાડયા હતા. ગઇકાલે ભાવનગરમાં ચાલુ સિઝનની સૌથી વધુ 41 ડિગ્રી ગરમી નોંધાયા બાદ આજે પણ મધ્ય બપોરે તાપમાન 42 ડિગ્રી થી વધુ નોંધાયું હતું લોકો ભયંકર તાપ અને કાળઝાળ લુમાં રીતસરનાં શેકાઇ ગયા હતા. અને આગ ઝરતી લુ ની જનજીવન ઉપર માઠી અસર પહોંચી હતી. અને ગઇકાલની જેમ જ આજરોજ બપોરે પણ શહેરના રાજમાર્ગો અને બજારોમાં સાવ પાંખો ટ્રાફિક નજરે પડયો હતો.
ઉલ્લેખનીય છે કે આજે સવારથી ભાવનગરમાં સૂર્ય દેવતાએ આકરૂ સ્વરૂપ દેખાડયાનું શરૂ કરી દીધું હતું. હીટવેવની અસર હેઠળ સમગ્ર સૌરાષ્ટ્રમાં સૂર્યદેવતા છેલ્લા બે દિવસથી અગનગોળા વરસાવી રહ્યા હોય જનજીવન ભારે પ્રભાવિત બન્યુ છે. ખાસ કરીને છેલ્લા બે દિવસથી ભાવનગર સહિત ઠેર ઠેર રેકોર્ડ બ્રેક તાપમાન નોંધાઈ રહ્યુ છે. ચાલુ સીઝનની સૌથી વધુ ગરમી નોંધાતા લોકો તોબા પોકારી ઉઠયા હતા. ભાવનગરવાસીઓ આકુળ-વ્યાકુળ બની ગયા હતા. વાતાવરણ સુકુ અને ચોખ્ખુ જોવા મળતા તાપમાનમા વધારો થવા પામ્યો હતો. રોડ-રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે.