Bhavnagar
ડમીકાંડ અને તોડકાંડમાં મહત્વના સમાચાર, 3ના જામીન ના મંજૂર અને 2 આરોપીની ધરપકડ
બરફવાળા
ભાવનગરથી ડમીકાંડ અને તોડકાંડના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં યુવરાજસિંહના કથિત તોડકાંડના આરોપી રાજૂ ઉર્ફે અલ્ફાઝ પઠાણની રેગ્યુલર જામીન અરજી મંજૂર કરવામાં આવી છે, જ્યારે ડમીકાંડના બે આરોપીની ગતરોજ આગોતરા જામીન અરજી ના મંજૂર કરવામાં આવી છે. ઉપરાંત ડમીકાંડ ના 1 આરોપીની રેગ્યુલર જામીન અરજી આજરોજ ના મંજૂર કરવામાં આવી છે. બીજી તરફ ડમીકાંડના વધુ 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.મળતી વિગતો મુજબ ભાવનગર પોલીસે ડમીકાંડના વધુ આરોપી ઝડપી પાડ્યા છે. જેમાં એક આરોપીએ બીજા આરોપીની ડમી ઉમેદવાર બની પરીક્ષા આપી હોવાનો આરોપ નોંધાયો છે. ઝડપાયેલા આરોપી મનસુખ વાલજીભાઈ જાની અને કિરણ દિનેશભાઈ બારૈયાને આજરોજ ભાવનગર પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. મહત્વની વાત છે કે અસલ ઉમેદવાર મનસુખ જાનીના બદલે વર્ષ 2022માં MPHW (મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર)ની પરીક્ષા કિરણ દિનેશભાઈ બારૈયાએ આપી હોવાનો આરોપ છે.
જામીન મંજૂર
બીજી તરફ ભાવનગરમાં ડમીકાંડમાં તોડકાંડની પણ ફરિયાદ યુવરાજસિંહ વિરૂધ્ધ નોંધવામાં આવી છે. જે મામલે યુવરાજસિંહ અને તેમના બે સાળા સહિત સાગરીતોની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે હાલ યુવરાજસિંહ સહિત તમામ આરોપી ભાવનગર જેલમાં છે. જે પૈકીના એક આરોપી રાજૂ ઉર્ફે અલ્ફાઝ પઠાણની જામીન અરજી ભાવનગર સેસન્સ કોર્ટમાં કરવામાં આવી હતી. જે જામીન અરજી કોર્ટે ગ્રાહ્ય રાખતા અલ્ફાઝને જામીન મળી ગયા હોવાના અહેવાલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી રાજૂ ઉર્ફે અલ્ફાઝ પર આરોપ હતો કે તોડકાંડમાં તે યુવરાજસિંહ સાથે મસલ્સમેન તરીકે બેઠક સમયે હાજર રહેતો હતો.
જામીન ના મંજૂર
સાથે જ ડમીકાંડના આરોપી રાહુલ રમણા અને મહેશ લાધવાની આગોતરા જામીન અરજી ગતરોજ સેસન્સ કોર્ટે ના મંજૂર કરી છે. તેમજ ડમીકાંડના આરોપી તુષાર જાનીની રેગ્યુલર જામીન અરજી પણ આજરોજ ભાવનગર સેસન્સ કોર્ટે ના મંજૂર કરી હોવાના અહેવાલ મળી રહ્યાં છે.