Sihor
ગ્રામજનો જાગૃત થશે તો ચોક્કસ સ્વસ્થ ભારત નિરોગી ભારતનું સૂત્ર સાર્થક થશે ; ડીવાયએસપી બારૈયા
દેવરાજ
સિહોર પોલીસ સ્ટાફે ડીવાયએસપી મિહિર બારૈયા, પીઆઇ ભરવાડની ઉપસ્થિતિમાં ટાણા ગામે સફાઈ અભિયાન હાથ ધરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો, ટાણા ગામે વિવિધ વિસ્તારોમાં સફાઈ કરવામાં આવી
સિહોર શહેર પોલીસ દ્વારા ટાણા ગામે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આજે વહેલી સવારથી પોલીસના અધિકારી અને જવાનોએ હાથમાં લાકડીના સ્થાને ઝાડુ પકડી ટાણા ગામના વિવિધ વિસ્તારોમાં સફાઈ અભિયાન હાથ ધર્યું હતું અને કલાઇમેટ ચેન્જથી વાતાવરણને બચાવવા લોકોને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો.
સફાઈ અભિયાનનું નેતૃત્વ સંભાળનારા પાલીતાણા ડીવાયએસપી મિહિર બારૈયાએ જણાવ્યું હતું કે ટાણા ગામને સંપૂર્ણ સ્વચ્છતા રાખી વાતાવરણને શુદ્ધ બનાવી રાખવાના પ્રયાસ હેતુ પ્રતીક સંદેશા સાથે સફાઈ અભિયાન કરવામાં આવ્યું છે. જાહેર સ્થળો પરથી પ્લાસ્ટીક વેસ્ટ અને કચરો એકત્ર કરી ટાણા ગામ સ્વચ્છ અને પ્લાસ્ટીક મુક્ત બને તેવા સંકલ્પ સાથે અભિયાન હાથ ધરાયું છે.
આ અભિયાનમાં સ્વસ્થ ભારત નિરોગી ભારત ના સૂત્રને સાકાર કરતા પાલીતાણા ડીવાએસપી મિહિર બારીયાની વિશેષ ઉપસ્થિતિ સાથે પીઆઇ ભરવાડે જણાવ્યું હતું કે સ્વસ્થ અને નિરોગી ભારતના નિર્માણ માટે આપણે સૌએ આપણી નૈતીક ફરજ નિભાવી પ્રથમ આપણા શહેર અને ગામને સ્વચ્છ રાખવુ પડશે તેમ જણાવી લોકોને ટકોર કરી હતી, આ સાથે સાપરાજભાઈ ઉલવા દ્વારા સ્થાનિક વેપારીઓને જણાવ્યું હતું કે તમારું ગામ છે તમારું આંગણું છે જેટલું સ્વસ્થ રાખશો તેટલું તમારા માટે ખૂબ સારું રહેશે અને નીરોગી પણ રહેશે અહીં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.