Sihor
દુખની ઘડી / હે રામ.! સિહોર શહેર ભાજપના ઉપપ્રમુખ મહેશ રાઠોડનું હાર્ટ એટેકથી મોત
યુવાન વયે કેમ થંભી જાય છે હૃદય?
છેલ્લા ઘણા દિવસથી નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. ત્યારે વધુ સિહોર શહેર ભાજપના ઉપપ્રમુખને શનિવાર એ સવારે હૃદયરોગનો તિવ્ર હૂમલો આવતા તેનું મૃત્યુ નીપજ્યુ હતું. યુવા ઉપપ્રમુખના આકસ્મિક અવસાનના પગલે સિહોર તાલુકા અને જિલ્લા ભાજપમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતું. સિહોર શહેર ભાજપના યુવા ઉપપ્રમુખ મહેશભાઈ રાઠોડ (ઉં.વ.૪૦)ને શનિવાર એ સવારે અચાનક છાતીમાં દુખાવો ઉપડવાની ફરીયાદ કરતા તેમને સારવારઅર્થે હોસ્પિટલમાં ખસેડવા તજવીજ હાથ ધરી હતી. પરંતુ હૃદયરોગના તીવ્ર હુમલાથી મહેશભાઈનું મૃત્યુ નિપજ્યુ હતું.
સિહોર શહેર ભાજપના યુવા ઉપપ્રમુખ મહેશભાઈ રાઠોડના આકસ્મિક મૃત્યુના પગલે સિહોર તાલુકા ભાજપ અને ભાવનગર જિલ્લા ભાજપમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતું. મહેશભાઈ રાઠોડના પત્નિ પૂર્વ સિહોર નગરપાલિકામાં નગરસેવીકા હોવાનું અને મહેશભાઈ ભારતીય જનતા પાર્ટીમાં સારુ એવું સ્થાન ધરાવતા હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે હજારો લોકોનું હાર્ટ દોડતું રાખીને તેમને જીવાડી રાખનાર ગુજરાતના જામનગરના ફેમસ કાર્ડિયોલોજિસ્ટ ગૌરવ ગાંધીનું થોડા દિવસ અગાઉ હાર્ટએટેકથી અવસાન થયું હતું. તેઓ રાતે હોસ્પિટલમાંથી ઘેર આવીને પરિવાર સાથે સારી રીતે જમ્યા હતા અને સવારે તેમનું હાર્ટએટેકથી મોત થયું હતું. આ ઘટનાથી ભારે શોક વ્યાપ્યો. એક એવા ડોક્ટર કે જેમણે હજારો દર્દોના હાર્ટની કાળજી લઈને તેમને જીવાડી રાખ્યાં તેમની સાથે પણ કુદરત આટલી ક્રૂર બની.