Sihor
સિહોર શહેર અને પંથકમાં રાત્રીના સમયે વિજળીના ચમકારા સાથે માવઠાથી ખેડૂતો ચિંતિત
પવાર
હવામાનમાં પલટો, ખેડૂતવર્ગ ફરી મુશ્કેલીમાં મુકાયો, ઘઉં, કપાસ જેવા પાકોને નુકશાન થવાની ભીતી, રાત્રીના આઠ વાગ્યા આસપાસ વિજળીના ચમકારા સાથે છાટા પડ્યા
હવામાન ખાતાની આગાહી મુજબ સિહોર શહેર સહીત પંથકના કેટલાક વિસ્તારોમાં આજે રાત્રીના 8 વાગ્યા આસપાસ છુટો છવાયો છાંટારૂપે વરસાદ પડયો હતો તો કયાંક માવઠારૂપે રોડ-રસ્તા પલાળી દે તેવો વરસાદ પડયો હતો માવઠાને કારણે ખેડુતોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા ધીમેધીમે ગરમીની શરૂઆત સાથે ઉનાળો તપી રહ્યો છે. અને તાપમાનનો પારો ઉંચે ચડતો જાય છે. જનજીવન શેકાઈ રહ્યુ છે બીજી તરફ હવામાન ખાતાની આગાહી મુજબ ગઈકાલ થી વાતાવરણમાં પલ્ટો આવતા ઠંડક જેવુ વાતાવરણ અનુભવાયુ હતુ.
આજે બીજા દિવસે સિહોર સહિત પંથકના વિસ્તારોમા વિજળીના ચમકારા સાથે માવઠા રૂપે વરસાદી છાંટા પડયા હતા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં માવઠુ પડતા ખેડુતો ચિંતીત બન્યા હતા અનેક જગ્યાએ પશુપાલકોએ પોતાના પશુ જીવો માટે રાખેલી કડબ પલળી ગઈ હતી. ભર ઉનાળે વરસાદી માવઠાથી ઘઉ, જીરૂ,બીટીકપાસ, વરીયાળી,ધાણા જેવા પાકોને નુકશાનની ભીતી સેવાઈ રહી છે અને ખેડુતોમાં ઉચાટ-ચિંતાની લાગણી જોવા મળી રહી છે. હવામાન ખાતાની ત્રણ દિવસ કમૌસમી વરસાદની આગાહીને પગલે સાવચેતીના ભાગરૂપે ખેડૂતોને સાવચેતી રાખવા પણ અનુરોધ કરાયો છે.