Sihor
સિહોર સહિત જિલ્લામાં સતત વરસાદના કારણે ખેતી નિષ્ફળ જવાની ભીતિ, કપાસ સાથે ખેડૂતોના સપના પણ ધોવાયા
દેવરાજ
ભાવનગરમાં ભારે વરસાદના કારણે ખેડૂતોની મુશ્કેલી વધી છે. 20 દિવસ સતત વરસાદ વરસવાના કારણે કપાસના પાકમાં પાણી ફરી વળ્યા હતા જેના કારણે પાક નિષ્ફળ થયો છે. આ વર્ષે કપાસના ઉત્પાદનમાં 50 ટકાનો ઘટાડો નોંધાવાની શક્યતા છે. જિલ્લામાં વરસાદ પડવાના કારણે ખેડૂતો દ્વારા વાવણી કરવામાં આવી હતી. ભાવનગર જિલ્લામાં મુખ્ય પાક તરીકે મગફળી, કપાસ અને ડુંગળીનું વાવેતર કરવામાં આવે છે. પરંતુ સતત વરસાદ પડવાના કારણે કપાસનો પાક નિષ્ફળતાના આરે પહોંચ્યો છે.
જિલ્લાના સિહોર, વલભીપુર, તળાજા, વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસવાના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ તરફ જઈ રહ્યો છે. સિહોર પંથલના એક ગામના ખેડૂતે પોતાની 20 વીઘા જમીનની અંદર કપાસનું વાવેતર કર્યું હતું પરંતુ કપાસના પાકની અંદર વરસાદી પાણી ભરાવાના કારણે પાક પાણીની સાથે તણાયો હતો. ખેડૂતે જણાવ્યું હતું કે, તેઓ દર વર્ષની જેમ આ વર્ષે પણ કપાસનું વાવેતર કર્યું હતું. દર વર્ષે તેઓને કપાસમાં સારું એવું ઉત્પાદન મળી રહે છે. આ વર્ષે પણ વધુ ઉત્પાદન મળે તેવી આશા સાથે કપાસની વાવણી કરી હતી પરંતુ સતત 20 દિવસ વરસાદ પડવાને કારણે કપાસના પાકમાં પાણી ફરી વળ્યા હતા જેના કારણે પાક નિષ્ફળ થયો છે. ખેડૂતે વધુમાં જણાવ્યું હતું કે, તેઓને એક વીઘે 25 મણ પ્રતિ વીઘા દીઠ કપાસના ઉત્પાદનની આશા હતી પરંતુ હવે પ્રતિ વીઘા દીઠ 12થી 15 મણ સુધી કપાસનું ઉત્પાદન થશે. આ વર્ષે કપાસના ઉત્પાદનમાં 50 ટકાનો ઘટાડો નોંધાવાની શક્યતા છે.