Botad
સાળંગપુરમાં હનુમાનજીના વિવાદીત ચિત્રોમાં લાકડી-કુહાડીથી તોડફોડ : કાળો રંગ લગાવાયો
- વિવાદમાં વધુ ગંભીર વળાંક : બોટાદના પોલીસ વડા સહીતનો કાફલો ધસી ગયો : યુવકની અટકાયત: મંદિરનાં બાઉન્સરો તથા પોલીસ તંત્રમાં દોડધામ: બંદોબસ્ત વચ્ચે પણ લાકડી-કુહાડી લઈને ઘુસી ગયો
કુવાડીયા
સાળંગપુર મંદિરમાં હનુમાનજીને સ્વામીનારાયણ સંપ્રદાયના ભગવાનના દાસ તરીકે દર્શાવતા ભીતચિંત્રોનો વિવાદ વધુ ગંભીર સ્વરૂપ લેવા માંડયો હોય તેમ આજે એક હનુમાનભકતે ભીંતચિત્રો પર લાકડી-કુહાડીનાં ઘા ઝીંકીને કાળો કલર કરી નાખતા સનસનાટી મચી છે.ઘટનાની જાણ થતાં પોલીસે તુર્ત જ તેની અટકાયત કરી હતી અને વધુ કડક બંદોબસ્ત ગોઠવવા સાથે પ્રતિમા-ભીંતચિત્રો ફરતે બેરીકેડ ગોઠવી દેવામાં આવી હતી. હનુમાનજીને નીચા દર્શાવવાનાં સ્વામીનારાયણ સંપ્રદાયનાં આવા કૃત્ય-પ્રયાસ સ6મે રાજયભરનાં સાધુ સંતોએ વિરોધ નોંધાવીને ભીંત ચિત્રો હટાવવાની માંગ કરી જ છે. ઉપરાંત આંદોલનની ચીમકી ઉચ્ચારી છે ત્યારે આજે સાળંગપુર નજીકનાં ચારકારી ગામનો હર્ષદ ગઢવી નામનો હનુમાન ભકત ઘસી ગયો હતો. ભીંત ચિત્રોમાં લાકડી-કુહાડીનાં ઘા મારીને તોડફોડ કરી હતી.
ઉપરાંત ભીંતચિત્રો પર કાળો કલર કર્યો હતો. ત્રણેક દિવસથી ચાલતા વિવાદ વચ્ચે યુવકે તોડફોડ કરવા સનસનાટી મચી હતી. સાળંગપુર મંદિરે અગાઉથી જ પોલીસ બંદોબસ્ત હતો છતાં યુવકે થાપ આપીને તોડફોડ કરી હતી. જોકે યુવક વધુ કોઈ નુકશાન કરે તે પૂર્વે જ પોલીસ જવાનો ઘસી ગયા હતા.અને તેની અટકાયત કરી લેવામાં આવી હતી. આ બનાવની જાણ થતાં બોટાદનાં પોલીસ વડા કિશોર બળોલીયા પણ સાળંગપુર પહોંચી ગયા હતા.એલસીબી-એસઓજીનાં કાફલાને પણ દોડાવવામાં આવ્યો હતો. પ્રાથમીક તપાસમાં એવુ બહાર આવ્યું છે કે તોડફોડ કરનાર યુવક ચારણકી ગામે વતન ધરાવે છે અને હાલ ઢસામાં રહે છે.હનુમાનજીનાં ભીંત ચિત્રોથી અપમાન સહન થયુ ન હોય તેમ ઉશ્કેરાટમાં આવીને તોડફોડ કરી હતી.
હનુમાનજીની 54 ફૂટની પ્રતિમાવાળો સમગ્ર વિસ્તાર કોર્ડન: બેરીકેડ લગાવાઈ
સાળંગપુરમાં હનુમાજીનાં વિવાદીત ભીંતચિત્રોમાં તોડફોડની ઘટનાથી પોલીસ તથા મંદિર સંચાલકો વધુ એલર્ટ બન્યા છે. હનુમાનજીની 54 ફૂટ ઉંચી પ્રતિમાવાળો સમગ્ર વિસ્તાર કોર્ડન કરી નાખવામાં આવ્યો છે. અત્યાર સુધી માત્ર મૂર્તિ પાસેનો વિસ્તાર જ કોર્ડન હતો. હવે સમગ્ર ભાગમાં બેરીકેડ લગાવી દેવામાં આવી છે.એટલે દર્શનાર્થીઓને દુરથી જ દર્શન કરવા પડે તેવી સ્થિતિ છે. આ ઉપરાંત વધુ સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી છે.. પ્રતિમા તથા ભીંતચિત્રો આસપાસ પણ જવાનોને ગોઠવવામાં આવ્યા છે.
સાળંગપુર વિવાદમાં રામ મોકરીયાએ ઝંપલાવ્યું ‘ભીંત ચિત્રો દુર થવા જોઈએ’
સાળંગપુર મંદિરમાં હનુમાનના અપમાન મુદ્દે વિરોધ થઈ રહ્યા છે. સંતો મહંતોમાં ભારે રોષની લાગણી છવાય ગયેલ છે. ત્યારે આ મુદ્દે રાજકારણ પણ ગરમાયુ છે. સાંસદ રામ મોકરીયાએ આ વિવાદ વચ્ચે મહત્વનું નિવેદન આપ્યુ છે. ત્યારબાદ રામ મોકરીયા પણ ચર્ચામાં આવી ગયા છે.સાળંગપુરમાં ભીંત ચિત્રોના વિવાદ મુદ્દે સાંસદ રામ મોકરીયાએ નિવેદન આપ્યું છે. કે ભીંતચિત્રો દુર કરવા જોઈએ આ ચિત્રોથી લોકની આસ્થાને ઠેસ પહોંચી છે ધર્મનું સન્માન જાળવવું જોઈએ હાલ સાળંગપુર વિવાદ ઉગ્રબની રહ્યો છે. સાધુ સંતો વિરોધ દર્શાવી રહ્યા છે. જયારે આ વિરોધને પગલે સાળંગપુર હનુમાન મંદિરે ચુસ્તબંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.