Sihor
સિહોર ; આજથી આચારસંહિતા : દારૂ રોકડની હેરફેર પર તંત્રની બાજ નજર
રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ, સંવેદનશીલ વિસ્તારોમાં ચેકિંગ સહિતની કરાશે સઘન કાર્યવાહી : ચૂંટણી જાહેર થતાં જ પોલીસ સહિતનું તંત્ર એક્શનમાં: રાજકીય પક્ષોના હોર્ડિંગ બેનર ઝંડીઓ ઉતારી લેવાયા, દિવાલ પર દોરાયેલા ચિત્રો ભૂંસાયા
જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તે ગુજરાત વિધાનસભા ચૂંટણીની આખરે આજે જાહેરાત થઈ ગઈ છે. ચૂંટણી પંચ દ્વારા ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થવાનું જાહેર કરવામાં આવ્યું છે ત્યારે પ્રથમ તબક્કો 1 ડિસેમ્બર અને બીજો તબક્કો 5 ડિસેમ્બરે યોજાશે. આજે ચૂંટણીની જાહેરાત થતાંની સાથે જ સિહોર સહિત આખા ગુજરાતમાં આદર્શ આચારસંહિતા લાગુ પડી ગઈ છે
ત્યારે સરકારી તંત્ર પણ એક્શનમાં આવી ગયું છે. ચૂંટણીમાં દારૂ, રોકડની બોલબાલા રહેતી હોવાને કારણે તેનો ઉપયોગ ન થઈ શકે તે માટે પોલીસ સહિતના તંત્ર દ્વારા આજથી જ ‘બાજનજર’ રાખવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.
બીજી બાજુ ચૂંટણી પહેલાં સિહોર કે તાલુકામાં કોઈ જ પ્રકારનો અનિચ્છનીય બનાવ આકાર ન લઈ જાય તે માટે પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવશે તો સાથે સાથે શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં દિવસ રાત પેટ્રોલિંગ કરવામાં આવશે. એકંદરે ચૂંટણી જાહેર થતાંની સાથે જ પોલીસ, સહિતનું તંત્ર એક્શન મોડમાં આવી ચૂક્યું છે અને ચૂંટણીલક્ષી કામગીરીનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.