Bhavnagar
ભાવનગરમાં ભાજપ કાર્યકર્તાઓએ બંધ પડેલા હૃદયના આપાતકાલીન પ્રાથમિક ઉપચાર માટે તાલીમ મેળવી
પવાર
ભાવનગર ખાતે યોજાયેલ સી.આર.પી. તાલીમનો મેળવ્યો લાભ
ભાવનગરમાં ભાજપ કાર્યકર્તાઓએ બંધ પડેલા હૃદયના આપાતકાલીન પ્રાથમિક ઉપચાર માટે તાલીમ મેળવી છે. ભાવનગર ખાતે આ સી.આર.પી. તાલીમ અભિયાનમાં જિલ્લા અને શહેર ભાજપ સાથે મેડિકલ કોલેજનું સંકલન રહ્યું. પ્રદેશ ભાજપ દ્વારા સામાજિક પ્રવૃત્તિના ભાગ રૂપે ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી રાઘવજી મકવાણા તથા શહેર ભાજપ અધ્યક્ષ શ્રી અભયસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં મેયર શ્રી કીર્તિબાળા દાણીધારિયા, ધારાસભ્યો શ્રી સેજલબેન પંડ્યા તથા શ્રી ગૌતમભાઈ ચૌહાણ અને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભરતસિંહ ગોહિલ, શ્રી ધીરુભાઈ ધામેલિયા, શ્રી શિશિર ત્રિવેદી વગેરેની વિશેષ ઉપસ્થિતિમાં ભાવનગર મેડિકલ કોલેજ ખાતે બંધ પડેલા હૃદયના આપાતકાલીન પ્રાથમિક ઉપચાર માટે તાલીમ અભિયાનનો લાભ મળ્યો. શ્રી તખ્તસિંહજી હોસ્પિટલમાં નર્સિંગ કોલેજ સંકુલમાં ભાવનગર મેડિકલ કોલેજના વિભાગીય વડા શ્રી લોપાબેન ત્રિવેદીના માર્ગદર્શન સાથે સાથી તબીબોએ પ્રાયોગિક રીતે સી.પી.આર. તાલીમ આપી. રાજ્યવ્યાપી આ તાલીમ પ્રારંભમાં અમદાવાદ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને સુરત ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી ચંદ્રકાંત પાટીલ જોડાયા હતા.
ભાવનગર જિલ્લામાં આ તાલીમના સંયોજક શ્રી ભરતભાઈ મેરના જણાવ્યા અનુસાર આ તાલીમમાં ભાવનગર શહેર તથા જિલ્લાના વિસ્તારવાર કાર્યકર્તાઓની ટુકડીએ નિષ્ણાત તબીબો દ્વારા પ્રત્યક્ષ નિદર્શન સાથે આ તાલીમ મેળવી છે, જેમાં ભાજપ મેડિકલ સેલ સાથે કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી છે. વ્યક્તિના આકસ્મિક રીતે બંધ પડેલા હ્રદયમાં કૃત્રિમ શ્વાસોચ્છવાસ માટે પ્રાથમિક સેવા થઈ શકે તથા જીવ બચાવી શકાય તે માટે ગુજરાત પ્રદેશ ભાજપના રાજ્યવ્યાપી સ્વાસ્થ્ય સ્વયંસેવક અભિયાનના ભાગ રૂપે ભાવનગર ખાતે આ તાલીમ યોજાયાનું ભાજપ પ્રચાર સંયોજક શ્રી કિશોર ભટ્ટ તથા સહસંયોજક શ્રી મૂકેશ પંડિતે જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર રાજ્યમાં ૩૮ જેટલી તબીબી વિદ્યાલય સંસ્થાઓમાં ૧૨૦૦ જેટલા તબીબ નિષ્ણાતો દ્વારા આ તાલીમ માર્ગદર્શન અપાયેલ છે. આ કાર્યક્રમમાં ભાવનગર ખાતે ૧૦૮ તાત્કાલિક સેવામાં વિશિષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓનું સન્માન અભિવાદન કરાયું હતું.