Bhavnagar
ભાવનગરના બોગસ બિલિંગ કૌભાંડમાં મોટો ખુલાસો : આંગડિયા મારફતે કરી હતી કરોડો રૂપિયાની હેરાફેરી
કાર્યાલય
બોગસ બિલિંગના કૌભાંડીઓએ કૃષિ વિષયક બેંક ખાતા ખોલાવી તેમાંથી 51 કરોડ રોકડા ઉપાડી આંગડિયા મારફતે રૂપિયાની હેરાફેરી કરી હોવાનો ઘટસ્ફોટ
સમગ્ર ગુજરાતને હચમચાવનારા કરોડો રૂપિયાના બોગલ બિલિંગ કૌભાંડ મામલે એક પછી એક ખુલાસાઓ થઇ રહ્યા છે,ત્યારે હવે સુરત ઇકો સેલ દ્વારા ભાવનગરમાં પાડવામાં આવેલા દરોડામાં અનેક ચોંકાવનારી માહિતીઓ સામે આવી છે. બોગસ બિલિંગના કૌભાંડીઓએ કૃષિ વિષયક બેંક ખાતા ખોલાવી તેમાંથી 51 કરોડ રોકડા ઉપાડી આંગડિયા મારફતે રૂપિયાની હેરાફેરી કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ભાવનગરના આનંદ પરમાર અને ઉસ્માન ફતાણીએ સાથે મળીને કરોડો રૂપિયાનું બોગસ બિલિંગ આચર્યુ હતું.
કૌભાંડીઓ દ્વારા સૌ પહેલા યોગીરાજ એન્ટરપ્રાઇઝ, જેરામ એન્ટરપ્રાઇઝ, નંદન એન્ટરપ્રાઇઝ, સ્કાય-વે ટ્રેડિંગ, વેજીટેબલ એન્ટરપ્રાઇઝ પેઢીઓના નામના 5 કૃષિ વિષયક ખાતાઓ ખોલાવવામાં આવ્યા. જેમાંથી 51 કરોડ રૂપિયા રોકડા ઉપાડી આંગડીયા મારફતે ટ્રાન્સફર કરાયા હોવાનું ખૂલ્યું છે. કૃષિ વિષયક ખાતાઓમાં જે નાણા જમા આવ્યા હતા, તેને જીશાન મરિન, જેનેષ સ્ટીલ, લક્ષ્મી એન્ટપ્રાઇઝ, સાંઇનાથ ટ્રેડર્સ જેવી પેઢીઓમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. કૃષિ વિષયક 5 ખાતાઓમાંથી જે 51 કરોડ રૂપિયા રોકડા ઉપાડવામાં આવેલા છે, તેને રાજકોટ, અમદાવાદ, સુરત ખાતે હવાલાના માધ્યમથી આંગડીયા મારફતે મોકલવામાં આવ્યા હતા.
ત્યારે આંગડીયા દ્વારા મોકલવામાં આવેલા આ 51 કરોડ રૂપિયા કોને-કોને મળેલા છે તેના અંગે પણ તપાસ ચાલી રહી છે. ઇકો સેલની ટીમને ભાવનગરમાં ઉસ્માન ફતાણીની ઓફિસમાં પાડવામાં આવેલા દરોડા દરમિયાન હિસાબ લખવાની નોટબૂક મળી આવી હતી. જેમાં જાબીર, હાજી, આસિફ, મામા જેવા ટુંકા નામ લખી અને તેઓની સામે લાખો રૂપિયાના આર્થિક વ્યવહારોની નોંધ કરવામાં આવેલી છે. આથી બોગસ બિલિંગ કૌભાંડમાં હજુ વધુ કેટલા લોકો સામેલ છે તે અંગેની તપાસ થઇ રહી છે.