Sihor
અદાણી ગ્રુપના 117 અબજ ડોલર સ્વાહા : ઈતિહાસનું સૌથી મોટુ ધોવાણ
કાર્યાલય
- એનએસઈમાં નિયંત્રણો છતાં અદાણી ગ્રુપના તમામ શેરોમાં કડાકાનો દોર: અદાણી એન્ટરપ્રાઈઝ 35 ટકા તૂટીને 1017: ટ્રાન્સમીશન, ગ્રીન એનર્જી, ટોટલ ગેસ, પાવર, વિલ્મર, એનડીટીવીમાં ઉંધી સર્કિટ
ભારતીય શેરબજારના ઈતિહાસમાં એક જ કોર્પોરેટ ગ્રુપનું અત્યાર સુધીનું સૌથી મોટુ ધોવાણ થયુ હોય તેમ અદાણી જુથની કંપનીઓમાં 117 અબજ ડોલરનો ઘટાડો થયો છે. 24 જાન્યુઆરી પછીના આ ટુંકાગાળામાં જ આ અવદશા સર્જાઈ છે. શેરબજારમાં અદાણી ગ્રુપના શેરોમાં આજે પણ પ્રચંડ કડાકા ચાલુ રહ્યા હતા. ગ્રુપની તમામ દસ કંપનીઓના શેરોમાં ગાબડા પડયા હતા. ગ્રુપની મુખ્ય કંપનીઓની અદાણી એન્ટરપ્રાઈઝનો ભાવ એક તબકકા 35 ટકાના કડાકાથી 1017ના સ્તરે આવી ગયો હતો. અત્યાર સુધીનો આ સૌથી મોટો એકદિવસીય કડાકો થયો છે. ડિસેમ્બર 2022માં અદાણી એન્ટરપ્રાઈઝના શેરનો ભાવ રૂા.4190ની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો હતો તેની સરખામણીએ 76 ટકાનો ધરખમ ઘટાડો થયો છે. અદાણી ગ્રુપ પ્રત્યે ટ્રેડરો-ઈન્વેસ્ટરોનું માનસ ખરડાયેલુ હોય તેમ કોલ અને પુટના વેપાર કરતા ટ્રેડરો પણ પોઝીશન નીચે ઉતારી રહ્યા છે. 1100 અને 1200ના સ્ટ્રાઈકમાં મહતમ વ્યવહાર થયા હતા. જયારે ઉંચી કિંમતના સ્ટ્રાઈક સરખા થતા રહ્યા હતા.
24મી જાન્યુઆરીએ અદાણી ગ્રુપના હિસાબી ગોટાળા તથા શેરોમાં કૃત્રિમ તેજી વિશે હિડનબર્ગે સ્ફોટક રિપોર્ટ જાહેર કર્યો ત્યારે 24મી જાન્યુઆરીથી અદાણી ગ્રુપના શેરોની અવદશા રહી છે અને અદાણી ગ્રુપની કુલ સંપતિમાં 117 અબજ ડોલરનું નુકશાન થયું છે. ભારતીય શેરબજારના ઈતિહાસમાં કોઈ એક કંપનીની સૌથી મોટી નુકશાની મનાય છે. ગ્રુપની માર્કેટ વેલ્યુમાં અર્ધોઅર્ધ ઘટાડો થયો છે. અદાણી એન્ટરપ્રાઈઝ બે જ દિવસમાં 50 ટકાથી વધુ ધસી પડ્યો છે જયારે 24મી જાન્યુઆરી બાદ અદાણી ગ્રીન એનર્જીમાં 51 ટકા, અદાણી ટોટલ ગેસમાં 58 ટકા, અદાણી ટ્રાન્સમીશનમાં 50 ટકાનો કડાકો થયો છે. બીજી તરફ અદાણી ગ્રુપની તમામ કંપનીઓના શેરો આજે પણ વધુ પટકાયા હતા તે પૈકી કેટલાકમાં ઉંધી સર્કીટ પણ લાગુ પડી હતી. ગ્રુપની ત્રણ કંપનીઓને એડીશ્નલ સર્વેલન્સ હેઠળ મુકવાના કદમ છતાં વેચવાલીનો મારો અટકયો ન હતો. અદાણી એન્ટરપ્રાઈઝ એક તબકકે 35 ટકા તૂટીને 1017 થયો હતો. અદાણી ગ્રીન 10 ટકા તૂટીને 935.90, અદાણી ટોટલ ગેસ 5 ટકાની ઉંધી સર્કીટે 1622.35, અદાણી ટ્રાન્સમીશન 10 ટકાની ઉંધી સર્કીટે 1396.05, અદાણી પાવર 5 ટકાની ઉંધી સર્કીટે 191.95, અદાણી વિલ્મર 5 ટકા ઘટીને 399.95 હતા. એનડીટીવી પણ પાંચ ટકાની ઉંધી સર્કીટે 212.75 હતો. અદાણી પોર્ટે, એસીસી અંબુજા સિમેન્ટમાં પણ ગાબડા હતા.