Bhavnagar
‘આપ’ પાર્ટી નવા સંગઠન સાથે 2024 માં મેદાને ઉતરવા થઈ સજ્જ
પરેશ દુધરેજીયા
ભાવનગર જિલ્લાનાં યુથ વિંગમાં ફેરફાર સાથે વધુ મજબૂર સંગઠન બનાવતી આમ આદમી પાર્ટી
રાજ્યમાં ગઈ વિધાનસભાની ચુંટણીમાં પહેલ વખત ગુજરાતમાં પગપેસારો કરનારી આમ આદમી પાર્ટીએ 40 લાખ મતો મેળવીને ઇતિહાસ રચ્યો હતો, ત્યારે હવે આ 40 લાખ મતોના વિશ્વાસને આગળ ધપાવી આગામી લોકસભા ચૂંટણીમાં આપ પાર્ટી શક્ય તેટલી બેઠકો પર પોતાનો હાથ અજમાવવા માટે ઉતરશે, અને આ સમગ્ર તૈયારીના ભાગરૂપે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં આમ આદમી પાર્ટી પોતાના સંગઠનના વિસ્તરણની સાથે સાથે જરૂરી બદલાવો કરી રહી છે.
ભાવનગર જિલ્લામાં પણ આપ પાર્ટીનું મોટું સંગઠન છે ત્યારે આજે ભાવનગર જિલ્લા આમ આદમી પાર્ટીનાં યુવા સંગઠનની રચના કરવામાં આવી છે, જેમાં જિલ્લાના અઘ્યક્ષ તરીકે મહુવાના વિવેક જેઠવાની નિમણુંક કરવામાં આવી હતી, જયારે મહામંત્રી તરીકે બુધેલથી મહેશભાઈ મકવાણાની નિમણુંક કરવામાં આવી હતી, આ સિવાય જિલ્લાના અન્ય હોદેદારોમાં જિલ્લા ઉપપ્રમુખ ,સંગઠન મહામંત્રી, મંત્રી તેમજ સોશિયલ મીડિયા કન્વીનર જેવા વિવિધ હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી હતી. આવતાં વર્ષે યોજાનારી 2024 લોકસભાની ચૂંટણી દેશના દરેક પક્ષો માટે ખૂબ મહત્વની છે, સત્તાધારી ભાજપ, કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓ અત્યારથી જ જનતા વચ્ચે જઈને પોતાની રણનીતિથી કામે લાગી ગઈ છે, ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટી ફરી એક વાર પોતાના નવા અને વધુ મજબૂત સંગઠનની સાથે મેદાને ઉતરશે.