Jesar
ભાવનગર જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત ; અઢી વિઘામાં કેસર કેરી ઉગાડી સાડા ત્રણ લાખ રુપિયાની આવક મેળવી
પવાર
જૂનાપાદર ગામના ખેડૂત પરંપરાગત ખેતી છોડી આઠ વર્ષથી પ્રાકૃતિક ખેતીથી લાખેણું ઉત્પાદન મેળવતા થયા
ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના જુનાપાદર ગામના ખેડૂત આગવી સૂઝથી પ્રાકૃતિક ખેતી દ્રારા મબલખ કેરીનું ઉત્પાદન કરી રહ્યા છે. રાજ્ય સરકાર દ્રારા લાભાર્થી લખુભા ગોહિલને આત્મા પ્રોજેક્ટના અને બાગાયતી સેમિનાર દ્વારા માર્ગદર્શન આપીને પ્રાકૃતિક ખેતી કરવા માટે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું છે પ્રાકૃતિક ખેતી થકી ખેડૂતનો સમય, ખર્ચ અને પાણીનો બચાવ તો થયો જ છે સાથે સાથે ઓર્ગેનિક ઉત્પાદન હોવાથી પાકની સારી એવી કિમત પણ મળી રહી છે.
આમ આ ખેડૂત પ્રાકૃતિક ખેતી દ્વારા પર્યાવરણના રક્ષણમાં પણ પોતાનુત્ર યોગદાન આપી રહ્યા છે. આ તકે પ્રગતિશીલ ખેડૂત શ્રી લખુભા જેમુભા ગોહિલ જણાવે છે કે યોગ્ય દિશામા મહેનત કરવામા આવે તો પ્રાકૃતિક ખેતીમાથી સારી ઉપજ મેળવી શકાય છે. ખેતી પાકમાં રાસાયણિક દવાના છંટકાવથી ઝડપથી લાભ મળી શકે પણ લાંબા ગાળે તે જમીન અને લોકોના આરોગ્ય માટે પણ નુકશાનકારક બની શકે છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી થકી વર્ષે એક સાથે અનેક પાક લેતા થયા છીએ આંબાની વચ્ચે હળદર, સરગવો દૂધી અને ચોળા ની ખેતી કરતાં થયા છે. પહેલા ૬ વિઘામાં એક થી દોઢ લાખની આવક થતી એ હવે અઢી વિધામાં સાડા ત્રણ લાખની આવક મળી રહે છે. આ ઉપરાંત પ્રાકૃતિક ખેતીનું થયેલું ઉત્પાદન ભાવનગર અને અમદાવાદ ખાતે વહેચીને સારી આવક પણ રહે છે.
પ્રાકૃતિક ખેતી થકી એક સાથે અનેક પાક લેતા હોઈ ૫૦૦ મણ કેરી, ૭૦૦ થી ૮૦૦ કિલો હળદરનો પાઉડર અને અન્ય શાકભાજી પણ ઉત્પાદન કરીને બારેમાસ આવક મેળવતા થયા છે. વધુમાં શ્રી લખુભા ગોહિલ જણાવે છે કે પ્રાકૃતિક ખેતી થકી ગ્રાહકોને ચોખ્ખી પ્રોડક્ટ ગ્રાહકને આપ્યાનો સંતોષ થાય છે. તેઓને તાલુકા લેવલનો બેસ્ટ આત્મા ફાર્મરનો એવોર્ડ પણ મળી ચૂક્યો છે