Bhavnagar

47 વર્ષ પહેલાં ગુજરાતમાં ભાજપની જેવી હાલત હતી એવી જ અત્યારે કોંગ્રેસની !!

Published

on

કાર્યાલય

1975ની ચૂંટણીમાં પહેલીવાર જનસંઘનો ઉદય થયા બાદ 18 બેઠક મળી’તી; આ વેળાએ કોંગ્રેસે 75 અને ઈન્દિરા ગાંધીની ‘ઑલ્ડ કોંગ્રેસ’એ મળીને બનાવી’તી સરકાર: આ પછી 1985માં કોંગ્રેસે 144 બેઠક જીતી બનાવ્યો’તો રેકોર્ડ; ત્યારે ભાજપને માત્ર 11 બેઠક જ મળી હતી : 1995ની ચૂંટણીથી લઈ આ વર્ષે 2022ની ચૂંટણી સુધી ભાજપે ક્યારેય પાછું વળીને જોયું નથી’ને કોંગ્રેસ ક્યારેય ઉંચી આવી શકી નથી: 2017માં ભાજપને થોડું અઘરું પડ્યું’તું પણ સરકાર બનાવવામાં મળી હતી સફળતા

વિધાનસભા ચૂંટણીમાં ભાજપે શાનદાર જીત મેળવીને કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીને ધૂળ ચાટતી કરી દીધી છે. ‘સમય સમય બળવાન હોય છે’ તે કહેવતને ભાજપે 2022ની ચૂંટણીમાં સાર્થક કરી બતાવી છે. એકંદરે 47 વર્ષ પહેલાં ગુજરાતમાં ભાજપની જેવી હાલત હતી તેવી જ અને કદાચ તેના કરતાં પણ વધારે ખરાબ હાલત અત્યારે કોંગ્રેસની થઈ જવા પામી છે. ઈતિહાસ પર એક ડોકીયું કરવામાં આવે તો 1962માં રાજ્યની સૌથી પહેલી વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસે 113 બેઠક જીતી હતી. આ પછી 1967માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે 33 તો સ્વતંત્ર પાર્ટીએ 66 બેઠક પર કબજો કર્યો હતો. 1972ની ચૂંટણીમાં વિધાનસભાની કુલ 168 બેઠકમાંથી કોંગ્રેસે 140 બેઠક પર કબજો જમાવ્યો હતો.ત્યારપછી 1975ની સાલમાં યોજાયેલી ચૂંટણીમાં પહેલીવાર જનસંઘનો ઉદય થયો હતો તેમાં તેના ફાળે 18 તો કોંગ્રેસના ખાતામાં 75 અને ઑલ્ડ કોંગ્રેસ તરીકે ઓળખાતી કોંગ્રેસને 56 બેઠક મળી હતી. આ પછી 1980ની સાલમાં આવેલી ચૂંટણીમાં ગુજરાત વિધાનસભાની બેઠકમાં વધારો થઈને 182 થવા પામી હતી.

આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસે 141 બેઠકો જીતી હતી જે માધવસિંહ સોલંકીનો એક રેકોર્ડ હતો. આ ચૂંટણીમાં જનતા પાર્ટીને 21 તો ભાજપને માંડ નવ બેઠક મળી હતી. આ પછી 1985માં કોંગ્રેસે ઈતિહાસ રચતાં 149 બેઠક પર જીત મેળવી હતી તો જનતા પાર્ટીને 14 અને ભાજપને માત્ર 11 બેઠક જ આવી હતી. આ વેળાએ માધવસિંહ સોલંકી અને અમરસિંહ ચૌધરી તબક્કાવાર મુખ્યમંત્રી બન્યા હતા.1985 બાદ ભાજપનો સમય બદલાયો હોય તેવી રીતે 1990માં આવેલી ચૂંટણીમાં જનતા દળે 70 તો ભાજપે 67 બેઠક પર જીત મેળવી હતી જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર 33 બેઠક આવી હતી. આ પછી કોંગ્રેસ દરેક ચૂંટણીમાં ઘસાતી જ ગઈ હોય તેવી રીતે 1995માં તેના ફાળે 45, 2002માં 51, 2007માં 59, 2012માં 61 અને 2017માં તેનો દેખાવ સારો રહ્યો હોય તેવી રીતે 77 બેઠક મળી હતી.જો કે તે સત્તા ક્યારેય મેળવી શકી નથી. 2002થી લઈ 2012 સુધી મોદી મુખ્યમંત્રી હતા ત્યારે ભાજપે 100+ બેઠક ઉપર જ જીત મેળવી હતી. આમ 47 વર્ષ પહેલાં ભાજપની ગુજરાતમાં જેવી સ્થિતિ હતી તેવી જ સ્થિતિ અને તેના કરતાં પણ ખરાબ સ્થિતિ અત્યારે કોંગ્રેસની થવા પામી છે.

Trending

Exit mobile version